Page Views: 3076

હાર્દિક પટેલ સહિત ૩નો શરતી જામીન પર છૂટકારો: પાટણ પ્રવેશ પર પ્રતિબંધ યથાવત

આંદોલન ચાલુ જ રહેશે : ૧૮મીએ સોમનાથ દાદાના દર્શને

પાટણ :

        પાટણ ખાતે ૨૬ ઓગસ્ટે યોજાયેલા 'એક શામ શહીદો કે નામ' કાર્યક્રમ પહેલાં નવજીવન હોટલમાં મહેસાણાના પાટીદાર કાર્યકરને મારપીટ અને લૂંટ કરવાના ગુનામાં શુક્રવારે હાર્દિક પટેલ સહીત ત્રણેય પાટીદારો કાર્યકરોને શરતી જામીન પર છોડવાનો આદેશ સેસન્સ કોર્ટે કરતાં પાટીદાર કાર્યકરોમાં આનંદની લાગણી ફરી વળી હતી. કોર્ટના આદેશને પાસ નેતાઓએ આવકાર્યો હતો. શનિવારે જેલ મુકત થયા બાદ ૧૮મીએ સોમનાથ દાદાના દર્શન કરવા જશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

          પાસ નેતા હાર્દીક ભરતભાઇ પટેલ , દિનેશ બાંભણીયા અને મહેન્દ્રભાઇ ઉર્ફે મહેશભાઇ (જયકુ) શંકરભાઇ પટેલની જામીન અરજીની સુનાવણી શુક્રવારે હાથ ધરવામાં આવી હતી. જેમાં ત્રણેય આરોપી અરજદારોના વકીલો રાજેન્દ્ર દેસાઇ, મહેન્દ્રભાઇ પટેલ અને એમ. એચ. પટેલ જયારે સરકાર તરફે એપીપી એમ. ડી. પંડ્યાએ દલીલો કરી હતી. વકીલોએ જણાવ્યું હતું કે ટ્રાયલમાં અને તપાસમાં પૂરો સહકાર આપવામાં આવશે. કયાંય નાસી ભાગી નહી જાય.તમામને સાંભળ્યા બાદ સાંજે એડીશનલ સેસન્સ જજ બી.બી.પાઠકે ચુકાદો જાહેર કર્યો હતો જેમાં દરેકને રૂ.૧૫૦૦૦ ના જામીન અને શરતો આધીન છોડવાનો હુકમ કર્યો હતો. જેલમાંથી બહાર આવેલા પત્રકારો સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે જેલમાં મજા આવી ગઇ. ઘણા સમયથી થાકેલા હતા. આરામ મળી ગયો. હજુ ૨૦૦ ગામ ફરવાના બાકી છે ત્યાં જઇશું. અમારૂ આંદોલન ચાલુજ રહેશે. મારી સામે જે કેસ કર્યો છે તે અંગે મારે કોઇ ફરીયાદ નથી. હાલમાં પ્રધાનમંત્રી અને રાહુલ ગાંધીના જે પ્રવાસો થઇ રહયા છે તેના કરતાં વધારે લોકો અમારા કાર્યક્રમમાં આવતા હોઇ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને શંકરભાઇ ચૌધરીના ઇશારે ચર્ચા કરવા જેલમાં અમને મોકલી અપાયા હતા. પોલીસ ભાજપા સરકારના ઇશારે કામ કરી રહી છે તેવો આક્ષેપ તેણે કર્યો હતો.

          આ ત્રણેય વિરુદ્ઘ મહેસાણાના પાસના કન્વિનર નરેન્દ્ર પટેલ અને દિલીપ સાવલિયાએ મારામારી કર્યાની ફરિયાદ નોઁધાવી હતી. જોકે, બાદમાં નરેન્દ્ર અને દિલીપ સાવલિયાએ કોર્ટમાં એફિડેવિટ કરી  જણાવ્યું હતું કે તેમની સાથે મારામારી કરવામાં હાર્દિકની કોઇ સંડોવણી નહોતી પણ હાર્દિકના કાફલાએ તેમના પર હુમલો કર્યો હતો. જેથી તેને જામીન આપી દેવા સામે તેમનો કોઇ વિરોધ નથી.