Page Views: 2935

નરોડા પાટિયા કેસમાં અમિત શાહને સાક્ષી તરીકે રજૂ કરવાની માયા કોડનાનીને છેલ્લી તક

સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે આજની મુદ્દત આપી હતી પરંતુ કોડનાની સાક્ષીને રજૂ ન કરી શક્યા

અમદાવાદ:-

         સ્પેશિયલ ટ્રાયલ કોર્ટે નરોડા પાટિયા હત્યાકાંડ કેસમાં ભાજપના ભૂતપૂર્વ મંત્રી માયા કોડનાનીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને તેમના બચાવમાં સાક્ષી તરીકે રજૂ કરવા માટે છેલ્લી તક આપી છે.

        કોર્ટે ચીમકી આપી છે કે આ મામલે હવે કોઇ મુદ્દત આપવામાં નહીં આવે. નરોડા ગામ રમખાણ કેસમાં કોડનાનીએ કોર્ટ પાસે શાહનું સરનામું શોધવા વધારે સમય માંગ્યો છે કે જેથી તેમને પોતાના બચાવમાં રજૂ કરી શકાય. સોમવાર કોડનાનીએ સ્પશિયલ કોર્ટમાં કહ્યું હતું કે અમિત શાહને તેમના બચાવમાં સાક્ષી તરીકે રજૂ કરવા માટે તેમને સમન્સ પાઠવવા માટે તેમનો સંપર્ક કરવા માટે વધારે સમયની જરૂર છે. પોતાની અરજીમાં કોડનાનીએ કહ્યું હતું કે અમિત શાહના વ્યસ્ત કાર્યક્રમોના કારણે તેઓ સુધી પહોંચી શકાતું નથી. તેમણે અદાલતમાં 12 સપ્ટેમ્બર, 2017 સુધીનો સમય આપવા અરજ કરી હતી પરંતુ કોર્ટે તેમને 8 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. આજ રોજ કોડનાની અમિત શાહને અદાલતમાં રજૂ ન શકતા તેમણે કોર્ટ પાસે વધારે સમયની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે 28 ફેબ્રુઆરી 2002ના રોજ નરોડા ગામમાં કોમી રમખાણો થયાં એ સમયે તેઓ ઘટના સ્થળે હાજર નહોતા તેવું પુરવાર કરવા માટે માયાબેન કોડનાનીએ અમિત શાહ સહિત 14 સાક્ષીઓને રજૂ કરવાનાં હતાં.

        તેમાંથી તેમના પતિ સુરેન્દ્ર કોડનાની, ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર અને ભાજપ કોર્પોરેટર દિનેશ મકવાણા અને ભૂતપૂર્વ ભાજપ ધારાસભ્ય અમરિશ પટેલ સહિતના 12 સાક્ષીઓ માયાબેનની તરફેણમાં જુબાની આપી ચૂક્યાં છે.