Page Views: 1468

નર્મદા યાત્રાનો રાજ્યવ્યાપી પ્રારંભ

૮૪ રથ ૨૪ જિલ્લાઓ અને ૭ મહાનગરોમાં ફરશેઃ ૧૬-૧૭મીએ રોશની ઝળહળશે

ગાંધીનગર:

                ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમની કામગીરી પૂર્ણ થઈ છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની નર્મદા કંટ્રોલ ઓથોરીટી દ્વારા ડેમના તમામ ૩૦ દરવાજા બંધ કરવાની મંજુરી આપી દેવાઈ છે. ડેમના દરવાજા બંધ થતા આગામી સમયમાં પોણા ચાર ગણુ વધુ પાણી સંગ્રહ થશે જેનો લાભ રાજ્યના લાખો ખેડૂતો અને નાગરીકોને થશે. આ માટે નર્મદા મૈયાના વધામણા કરવા રાજ્ય સરકાર દ્વારા આજે તા. ૬ સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ દરમિયાન રાજ્યમાં મા નર્મદા મહોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સુરેન્દ્રનગર ખાતેથી આ મહોત્સવ અને નર્મદા યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે. જેમાં ૮૪ રથ ૨૪ જિલ્લાઓ અને ૭ મહાનગરપાલિકાઓના વિસ્તારોમાં ફરશે, આ રથમાં નર્મદા મૈયાની મૂર્તિ છે. ગામેગામ રથનું પૂજન-અર્ચન કરાશે. આ તમામ રથ તા. ૧૬મી સપ્ટેમ્બરના રોજ સાંજે કેવડીયા પહોંચશે.

                ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના ડેમ પર નર્મદા બંધના દરવાજા બંધ કરવાની મંજુરી મળતાની સાથે એ જ દિવસે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલે જાતે જઈ દરવાજા બંધ કરવાની કામગીરી આરંભી હતી. સરદાર સરોવર યોજના પૂર્ણ થતા રાજ્યના લાખો ખેડૂતોને સિંચાઈની સુવિધા સહિત ચાર કરોડથી વધુ નાગરીકોને પીવાના પાણીની સુવિધા મળશે અને લાખો પશુઓ માટે પીવાનું પાણી અને ઘાસચારો ઉપલબ્ધ થશે. નાગરીકોના ઉત્સાહ-ઉમંગની અભિવ્યકિત માટે આ કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે. તા. ૬ સપ્ટેમ્બરથી ૧૭મી સપ્ટેમ્બર ૨૦૧૭ દરમ્યાન યોજાયેલ નર્મદા મહોત્સવ અંતર્ગત રથયાત્રા દરમિયાન વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. તા. ૧૬ અને ૧૭ સપ્ટેમ્બરના રોજ ૧૫ જિલ્લાના વિવિધ સ્થળોએ લાઈટીંગનું આયોજન પણ કરાયું છે. રાજ્યની જીવાદોરી સમાન આ યોજનાના વધામણા માટેના મહોત્સવમાં સ્વૈચ્છીક સેવાભાવી, સંસ્થાઓ તથા નાગરીકોને મોટા પ્રમાણમાં સહભાગી થવા રાજ્ય સરકારે અપીલ કરી છે.