Page Views: 18180

રાજકોટમાં મધરાતે સ્વાઇન ફલૂનો ફૂંફાડોઃ વધુ, ત્રણનાં જીવ ગયા

ગઇકાલે અમરેલી, રાજકોટ, ગીર સોમનાથના ત્રણ દર્દીના મોત થયા બાદ રાત્રે પોણા ત્રણથી પોણા પાંચ સુધીમાં ત્રણ કલાકમાં વધુ ત્રણ મોતથી ફફડાટ

રાજકોટ:

        સ્વાઇન ફલૂનો રોગચાળો ભયંકર હદે બેકાબૂ બની ગયો છે. ગઇકાલે રાજકોટમાં સિવિલ-ખાનગી હોસ્પિટલમાં ત્રણનો ભોગ લેવાયા બાદ મોડી રાત્રે પોણા ત્રણથી સવારના પોણા પાંચ સુધીમાં સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ જીવનો સ્વાઇન ફલૂએ કોળીયો કરી લેતાં ફફડાટ ફેલાઇ ગયો છે. આ ત્રણ મૃતકોમાં એક મહિલા જુનાગઢના બોડકાના, એક પરિણીતા માંગરોળના અને એક આધેડ ગીર સોમનાથના હતાં. દિલ્હીથી આરોગ્ય અધિકારીઓની ટીમ ખાસ આજે રાજકોટ સ્વાઇન ફલૂ અંતર્ગત સર્વે કરવા આવી રહી છે ત્યારે જ મધરાતે ટપોટપ ત્રણ કલાકમાં ત્રણના ભોગ લેવાઇ ગયા છે.

           તબિબી અધિક્ષકશ્રી ડો. મનિષ મહેતાએ જણાવ્યા મુજબ માંગરોળની ૨૨ વર્ષની મુસ્લિમ મહિલાએ રાત્રે ૨:૪૫ કલાકે, જુનાગઢ વંથલી પાસેના બોડકાના ૫૭ વર્ષના મહિલાએ રાત્રે ૨:૫૨ કલાકે તથા ગીર સોમનાથ ઉનાના ૪૫ વર્ષના આધેડે સવારે ૪:૪૫ કલાકે સ્વાઇન ફલૂ વોર્ડમાં દમ તોડી દીધો છે. આજે વોર્ડમાં ૨૫ પોઝિટીવ દર્દી અને ત્રણ શંકાસ્પદ દર્દી દાખલ છે. છ દર્દીઓની હાલત ગંભીર હોઇ તેને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. જે દર્દીઓ દાખલ છે તેમાં ૧૪ રાજકોટના અને બાકીના બહારગામના છે. જેમાં અમરેલી, જુનાગઢ, મોરબી અને પોરબંદરના દર્દીઓ સામેલ છે.

           વધુ માહિતી મુજબ માંગરોળના જે મુસ્લિમ પરિણીતાનું મોત થયું છે તે સગર્ભાવસ્થામાં સ્વાઇન ફલૂની સારવાર માટે દાખલ થયેલ. ત્રણ દિવસ પહેલા જ સિઝેરીયન કરાવી તેના બાળકને બચાવી લેવાયું હતું. રાત્રે તેણીના મોતથી આ નવજાત પુત્ર મા વિહોણો થઇ જતાં પરિવારમાં માતમ છવાઇ ગયો છે. ઉલ્લેખનિય છે કે ગઇકાલે અમરેલીના ૫૮ વર્ષના મહિલા, રાજકોટના ૫૧ વર્ષના પ્રોૈઢ, ગીર સોમનાથની ૨૫ વર્ષની યુવતિએ સિવિલ હોસ્પિટલમાં અને જુનાગઢના ૩૮ વર્ષના યુવાને ખાનગી હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. ગઇકાલે મૃત્યુ આંક ૮૭ થયો હતો. દરમિયાન રાત્રે સિવિલમાં થયેલા વધુ ત્રણ મોત સાથે કુલ મૃત્યુઆંક ૯૦ થઇ ગયો છે.