Page Views: 4501

સુરનગરનો અલ્પેશ માવાણી રૂ.15 કરોડથી વધુના રફ ડાયમંડ ખરીદી ફરાર

કે.જી,કે ડાયમંડના મેનેજર પ્રકાશ શાહે રૂ.1.90 કરોડની છેતરપિંડી થયાની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

સુરત-27-7-
શહેરના વરાછા રોડ મીની હીરા બજારમાં વેપારના નામે ચીટીંગ કરનારા સુરનગરના અલ્પેશ માવાણીએ 
કરોડો રૂપિયાનું ચીટીંગ કર્યું છે. એક હીરા દલાલ મારફત રફ ડાયમંડ ખરીદીને નાસી છુટેલા અલ્પેશ 
વિરૂધ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે અને હાલમાં આ વેપારી મુંબઇની ગેંગના શરણે જતો રહ્યો 
હોવાનું કહેવાય છે. 
વરાછા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, મુળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના સુરનગર 
ગામનો વતની અલ્પેશ વિનુ માવાણી સુરતમાં મોટા વરાછા સંસ્કૃતિ રેસીડન્સી ખાતે રહે છે. અલ્પેશ છેલ્લા કેટલાક 
સમયથી વરાછા રોડ મીની હીરા બજાર ખાતે દલાલો મારફત રફ ડાયમંડની ખરીદી કરતો હતો તેમજ તેને મુંબઇ અને 
મહિધરપુરા મોટી હીરા બજારમાં છેલ્લા આઠ નવ વર્ષથી વેચાણ કરતો હતો. અલ્પેશ માવાણીએ વરાછા રોડ ખાંડ બજાર 
ખાતે આવેલા કે,જી.કે. ડાયમંડ માંથી રૂ.2 કરોડ 10 લાખની કિંમતના 5570 કેરેટ રફ ડાયમંડ હીરા દલાલ 
પંકજ ઘેટી મારફત ખરીદ્યા હતા. ત્યાર બાદ અલ્પેશ માવાણીએ અલગ અલગ મોટી ડાયમંડ પેઢીના સંચાલકો 
પાસેથી પણ રફ ડાયમંડની ખરીદી કરી હતી અને આ વેપારીઓ પાસેથી અંદાજે રૂ.15 કરોડથી વધુ કિંમતના 
રફ ડાયમંડની ખરીદી કરી બારોબાર વેચીને રોકડી કરી લીધી હતી. 
અલ્પેશ છેલ્લા કેટલાક સમયથી નાસી છુટ્યો છે અને લેણદારો તેને શોધી રહ્યા છે. આખરે આ ઘટના અંગે 
કે.જી.કે. ડાયમંડ પ્રા.લી. ના પ્રકાશ ભવાનલાલ શાહે અલ્પેશ માવાણી વિરૂધ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં 
ફરિયાદ નોંધાવી છે. આ અંગે પી આઇ સી કે પટેલે વધુ તપાસ હાથ ધરી છે.