Page Views: 8485

રાજીનામાના ૧૫ કલાકમાં પાર્ટનર બદલી ફરી CM બની ગયા નીતિશ કુમાર

નીતિશ કુમારે આજે છઠ્ઠી વખત સીએમ તરીકે શપથ લીધા

પટના: 

        બિહારમાં નીતિશ કુમારે આજે છઠ્ઠી વખત સીએમ તરીકે શપથ લીધા છે. જ્યારે સુશીલ મોદીએ ડેપ્યૂટી સીએમ તરીકેના શપથ લીધા છે. ગવર્નર કેસરી નાથ ત્રિપાઠીએ નીતિશ કુમાર અને સુશિલ મોદીને શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ પછી વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને નીતિશ કુમાર અને સુશીલ મોદીને અભિનંદન પાઠવ્યા છે. માનવામાં આવે છે કે, વિશ્વાસના મત મેળવીને નીતિશ કુમાર તેમની કેબિનેટનું વિસ્તરણ કરશે.

        સૂત્રોના જણાવ્યા પ્રમાણે બંને પાર્ટીમાંથી 14-14 મંત્રી બનાવવામાં આવે તેવી શક્યતા છે. નીતિશ કુમારે આરજેડી તેમજ કોંગ્રેસ સાથેના ગઠબંધન સાથે છેડો ફાડી બુધવારે સાંજે રાજીનામું આપી દીધું હતું. ગુરુવારે સવારે 10 વાગ્યે ભાજપ સાથ ગઠબંધન કરી ફરી સીએમ બની ગયા હતા.

        બિહારમાં 20 મહિના જૂનું જેડીયુ-આરજેડીનું મહાગઠબંધન તૂટ્યા પછી નીતિશ કુમાર હવે બીજેપી સાથે મળીને સરકાર બનાવી રહ્યા છે. આ પહેલા નીતિશ આજે સાંજે પાંચ વાગે શપથ લેવાના હતા. બુધવારે મોડી રાત્રે નીતિશ અને મોદીએ ગવર્નર કેસરી નાથ ત્રિપાઠી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. નવા ગઠબંધનમાં 132 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. રાત્રે 12થી દોઢ વાગ્યા સુધી ગર્વનર સાથેની મુલાકાત પછી નીતિશ ગવર્નર હાઉસથી નીકળ્યા હતા, પરંતુ તેમણે મીડિયા સાથે વાત કરી ન હતી.