Page Views: 25841

પુત્રી ઉપર વારંવાર બળાત્કાર ગુજારનારને બાપ કહેવો કે નર પિશાચ

દેશમાં બળાત્કારની ઘટનાઓ બને છે એ વિકૃત માનસિકતાવાળા સમાજને સુધારવા ફાંસીથી વધારે કોઇ ક્રુર સજા હોય તો તેની પણ જોગવાઇ કરવી જોઇએ...

વિચાર યાત્રા..

નીતા સોજીત્રા (નીશો) દ્વારા...

થોડા દિવસ પહેલાં એક એવી વાત આવી જે સાંભળ્યા પછી બુદ્ધિ સુન્ન થઈ ગઈ... થોડા સમય માટે પગ તળેથી ધરતી ખસી ગઇ હોય એવું લાગ્યું અને સ્વસ્થ થઇ પછી આ વાત તમારી સાથે શેર કરવા આજે કલમ હાથમાં લીધી છે.

    આપણે અવારનવાર અખબારમાં બળાત્કારના કિસ્સાઓ વાંચતા હોઈએ છીએ. પછાત વિસ્તારોની અત્યંત  પછાત જાતિમાં આ પ્રમાણ વધારે જોવા મળતું હોય છે એવું મારુ માનવું છે પણ ભદ્ર સમાજમાં એક પિતા દ્વારા એની પુત્રી પરના બળાત્કારનો કિસ્સો શરમજનકજ નહીં ધૃણાસ્પદ કિસ્સો કહેવાય.

   વાત એવી હતી કે એક પુત્રી પર એના બાપ દ્વારા જ  વારંવાર બળાત્કાર ગુજાર ગુજારવામાં આવતો હતો. પુત્રીએ પહેલા ડરથી બાપના આ હવસના ખેલને સહન કર્યો પરંતુ જ્યારે સહન શક્તિની હદ આવી ગઇ ત્યારે તે પોતાના ધર્મના માનેલા ભાઇ પાસે ગઇ અને આ ધ્રુણાસ્પદ કિસ્સો જાહેર થયો.

આ ઘટનામાં રક્ષક જ ભક્ષક બન્યો છે અને આવા સંખ્યાબંધ કિસ્સાઓ આપણા કહેવાતા સુધરેલા સમાજમાં આજે પણ બની રહ્યા છે. મનોવિકૃત્તિની ચરમસીમા પાર કરી ગયેલા આ બાપને શું કહેવું .  સગી પુત્રીને પોતાની હવસનો શિકાર બનાવનારા બાપને બાપ કહેવો કે પિશાચ એ મને સુઝતું નથી. 

 આપણાં દેશની કેટલીક સિસ્ટમ બદલાવ માગે છે એવું હંમેશ લાગે છે . આવી સિસ્ટમમાં એક આપણું ન્યાયતંત્ર પણ આવી જાય છે.  આપણી વસ્તી, ગુનાઓ અને ગુનેગારો... દિનપ્રતિદિન વધતા જાય છે. દરરોજ થતાગુનાઓ ની ફાઈલોના પોલીસસ્ટેશન અને કોર્ટ કચેરીમાં ઢગલા થાય છે. કેસ,અને તારીખ ના ચક્કરમા સુનાવણી અને સજામાં  એટલુ તો મોડું થઈ જાય છે કે ત્યાંસુધી ભોગ બનનાર ની ધીરજ ખૂટી ગઈ હોય છે પરિણામે એક નવો ગુનેગાર તૈયાર થાય છે. 

   અઢળક બળાત્કારના કેસમાં જે-તે સમયે બહુજ આક્રોશ જોવા મળે છે લોકો ની પણ માંગ ઉઠે છે કે ગુનેગાર ને ફાંસી થાય. અનેક નારી સુરક્ષાસંસ્થા અને સમાજ પણ રેલી કાઢે છે ભોગ બનનાર અને કેટલાક કેસમા મૃત્યું પામનાર ભોગ બનેલી નારી માટે સહાનુભૂતિ નો એક જાણે કે ધોધ વછુટે છે એવા સમયે એના ગુનેગાર ને જો સજા થાય તો જનઆક્રોશ ને યોગ્ય ન્યાય મળ્યો કહેવાય. લોકો માં ન્યાયતંત્ર તરફ વિશ્વાસ વધે પણ એવું બનતું નથી હોતું. જ્યારે 10-12  વર્ષે ગુનેગાર ને  ફાંસી થાય છે ત્યારે ખુદ પરિવારજનો પણ આ દુઃખદ સ્થિતિ બાબત નિર્લેપ થઈ ગયા હોય છે કેમ કે આવી ઘટનાને વર્ષો થઈ ગયા હોય એના ગુનેગારની સજામાં  કોઈ રસ નથી રહેતો. હા, આ જ સજા જો ઘા તાજો હોય ત્યારે થાય તો એનું મૂલ્ય છે કેમ કે સમાજમાં ચારે તરફ થી ફિટકાર વરસતો હોય ત્યારે જ આવા લોકો ને સજા મળે તો લોકો નો ન્યાયતંત્ર પર વિશ્વાસ ટકાવી શકાય છે. જો કે, ચાર વર્ષ અગાઉ દિલ્હીના નિર્ભયા કેસમાં થોડા સમય પહેલા બળાત્કારીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. સાથો સાથ પ્રચંડ લોક જુવાળ અને માંગણીને કારણે જે તે સમયે કેન્દ્ર સરકારે બળાત્કારના કાયદામાં એમેન્ડમેન્ટ લાવીને ફાંસીની સજાની જોગવાઇ ઉમેરી હતી. તેમજ બળાત્કારીઓની ક્રુરતા અને ભોગ બનનારની હત્યા થાય તો ફાંસી સુધીની સજા હવે થઇ શકશે. આ એક હકારાત્મક સુધારો છે પરંતુ આપણે વાત કરીએ છે બળાત્કાર વિશે તો, મેં દુબઇમાં જોયું છે લાખો કરોડો રૂપિયાના સોનાના અને ડાયમંડના દાગીનાથી ભરેલા શો રૂમ ખુલ્લા મુકીને ત્યાંના જ્વેલર્સ નમાજ પઢવા જતા રહે છે. છતા એક વાલની વાળી પણ ચોરી થતી નથી, કારણ કે ત્યાં કાયદો છે ચોરી કરી અને પકડાયા તો કાંડા કાપી નાંખવામાં આવે છે. એટલે ચોરી થતી જ નથી. લોકો સારા છે એવુ ન માનતા પણ તેમના મનમાં કાયદાનો ડર છે એટલે સીધી લીટીમાં જ એમને જીવવું પડે છે. જેની સામે આપણે ત્યાં હજારો કાયદાની ગુંચવણ, ઓછી સજા, માનવતાવાદી વિચાર, માનવ અધિકાર વિગેરે...વિગેરે... કારણોસર સમાજના અસામાજીક તત્વોમાં કાયદાનો ડર રહ્યો જ નથી. જો કાયદાનો ડર લોકોના મનમાં હશે અને કડક જોગવાઇઓ સાથે તેનો ઝડપથી અમલ થશે તો આપણે ત્યાં પણ બળાત્કાર, હત્યા કે ઉત્પીડનના કિસ્સાઓ ઓછા થશે જ. 

બજી તરફ હાલના સંજોગોમાં   સ્ત્રી જો કે આજે ઘણી બદલાઈ છે. એનું કાર્યક્ષેત્ર વધારી રહી છે, વિસ્તારી રહી છે. આપણાં દેશમાં પુત્રીઓને અખાડામાં ઉતારનાર બાપ પણ છે અને એ જ દેશમાં પુત્રી પર બળાત્કાર કરી એને ખાડા માં ધકેલનાર બાપ પણ છે . માનસિક વિકૃતિની, સંબંધોની અને સંસ્કૃતિના પતનની આ થી મોટી નિશાની બીજી શુ હોય?

   સ્ત્રીઓ ને એટલી જ અપીલ કે આવી માનસિકતા વાળા લોકોનો ભોગ ન બનીએ અને એમને ખુલ્લા પાડીએ. પુરુષ સમોવડી થવાની કે એ પુરવાર કરવાની સ્ત્રી ને જરૂર જ નથી. જીવ માંથી જીવને  જન્મ આપનાર સ્ત્રી પુરુષ થી ચડિયાતી છે એ ખુદ ઈશ્વરે એને આ વરદાન ,આ ક્ષમતા અને આ દરજ્જો આપી ને પુરવાર કર્યું છે. માત્ર આપણે આપણો અન્યાય સામે બચાવ કરીને આપણા ઈશ્વરે  આપેલા વરદાનનો આદર કરીએ એટલું પૂરતું છે અને જરૂરી પણ.

   આ તો એક કિસ્સો તાજેતરમાં ધ્યાન માં આવ્યો છે બાકી આવા કિસ્સા આજે પણ સમાજમાં બને છે . ફિટકાર છે આવા પુરુષને અને એની માનસિકતાને.

     બળાત્કારી પુરુષ ચાહે કોઈ પણ હોય એ માત્ર સ્ત્રીનો જ નહીં એની લાગણી, ભાવના, એની ખુશી,એના જીવવાના અહેસાસ અને એના અસ્તિત્વનો બળાત્કાર કરે છે. ભોગ બનનાર જીવતી પણ રહે છે તો એ એના માટે શ્રાપ હોય છે 

  જ્યાં એક સ્ત્રી ..એક પુરુષ ને જન્મ આપે છે ત્યાં એક પુરુષ સ્ત્રી ને આવા કૃત્ય દ્વારા મૃત્યુ આપે છે તો આમા કોણ ચડિયાતું?? આમા સમોવડાપણાં ની તો હોડ જ અસ્થાને છે આવું હું માનું છું.

     સ્ત્રી...ઈશ્વરના ઉત્તમ સર્જનને ચાહવાની હોય, જાળવવાની હોય, પૂજવાની હોય, એનો ઉપયોગ કે ઉપભોગ ન હોય આ વાત પુરુષ સમજી જાય તો એ સ્ત્રી સમોવડો કહેવાશે કે જેને ઈશ્વરે જન્મ આપવાનો અધિકાર નથી આપ્યો પણ ચાહવાનો આપ્યો છે અને એનો સાચો ઉપયોગ કરી જાણે.

 

જય હો... NISHO...