Page Views: 13856

દલિતોનો અવાજ દબાવો છો: રાજ્યસભામાંથી માયાવતીનું રાજીનામું

રાજ્યસભામાં દલિતો મુદ્દે બોલવા માત્ર ત્રણ મિનિટ આપી, એમા પણ ભાજપના સાંસદોએ બોલતા અટકાવી : માયાવતી

નવી દિલ્હી:-

        બસપા સુપ્રીમો માયાવતીએ રાજ્યસભામાં દલિતો પર અત્યાચાર મુદ્દે સરકારને આડેહાથ લીધી હતી. તેઓએ ઉ. પ્રદેશના સહારનપુરમાં દલિતો પર થયેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. જોકે તેમને ભાજપના સાંસદોએ બોલતા અટકાવ્યા હતા તેમજ બોલવા માટે સ્પીકરે જે ત્રણ મિનિટ આપ્યા હતા તે પુરા થઇ જતા માયાવતીને બોલતા રોકવામાં આવ્યા હતા. જેને પગલે ભડકી ગયેલા માયાવતીએ રાજ્યસભાને માથે લીધી હતી અને સરકાર પર ગંભીર આરોપો લગાવી રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામુ આપી દીધુ હતું. માયાવતી એટલા માટે નારાજ હતા કેમ કે તેમને સહારનપુર અને દેશમાં અન્ય જગ્યાઓએ દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દા ઉઠાવવા માટે માત્ર ત્રણ મીનીટનો જ સમય આપવામાં આવ્યો હતો. માયાવતીએ રાજીનામુ આપ્યા બાદ જણાવ્યું હતું કે બાબાસાહેબ ભીમરાવ આંબેડકર જ્યારે કાયદા મંત્રી હતા ત્યારે તેઓએ હિંદુ કોડ બિલ રજુ કર્યું હતું. પણ તેમને આ બિલ રજુ કરતા અટકાવ્યા હતા. અને તેમને સંસદમાં બોલવા નહોતા દેવાયા. તેથી બાબાસાહેબે મંત્રી પદેથી રાજીનામુ આપી દીધુ હતું. હંુ બાબાસાહેબની શિષ્યા છું, તેથી તેમના પગલે ચાલી રહી છુ. આજે મને પણ બોલતી અટકાવવામાં આવી છે તેથી રાજીનામુ આપુ છું.  માયાવતીએ જણાવ્યું હતું કે હાલ પુરા દેશમાં જાતીવાદ અને કોમવાદે માજા મુકી છે.

        ખાસ કરીને જે પણ રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં દલિતો પર અત્યાચાર વધ્યો છે. હું સહારનપુર મુદ્દે પોતાની વાત રજુ કરવા માગુ છું. પણ મને સંસદમાં બોલતા અટકાવવામાં આવી. હું જે દલિત સમાજ સાથે જોડાયેલી છું તેના વિશે જ મને બોલતા અટકાવવામાં આવી તે અતી શરમજનક અને મારાથી સહન ન થાય તેવી બાબત છે. માયાવતીએ રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન પોતાની ભડાસ કાઢી રાજીનામાની જાહેરાત કરી હતી. અને સાંજે તેઓએ બાદમાં ઉપ રાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ હામીદ અંસારીને પોતાનું લાંબુ ત્રણ પાનાનું રાજીનામુ આપ્યું હતું. નિયમ મુજબ રાજીનામુ ટુંક અને કોઇ કારણ દર્શાવ્યા વગર આપવાનું હોય છે. હવે રાજીનામુ સ્વીકારવું કે કેમ તે ઉપ રાષ્ટ્રપતિ નક્કી કરશે. માયાવતીનું રાજીનામું નામંજૂર થવાની શક્યતા રાજ્યસભાના નિયમો અનુસાર જો કોઇ સભ્યએ રાજીનામુ આપવું હોય તો તે માત્ર એક લાઇનમાં લખીને કોઇ પણ કારણ દર્શાવ્યા વગર આપવાનંુ હોય છે. જ્યારે માયાવતીએ ત્રણ પાના ભરીને પોતાનું રાજીનામુ આપ્યું છે. આ ઉપરાંત રાજીનામુ આપવાનું કારણ પણ દર્શાવ્યું છે. તેથી માયાવતીનું રાજીનામુ નામંજુર થવાની પુરી શક્યતાઓ છે. દલિતો પર પકડ  મજબૂત કરવા રાજીનામું આપ્યું? ઉ. પ્રદેશમાં ગત વિધાનસભાની ચૂંટણીમાં માયાવતીના પક્ષ બસપાએ હારનો સામનો કરવો પડયો હતો અને ત્રીજા ક્રમે રહ્યો હતો. બસપાને ૪૦૩માંથી માત્ર ૧૮ બેઠકો જ મળી હતી. માયાવતીની હાર બાદ જ સહારનપુરમાં દલિતો પર અત્યાચારની ઘટના બની હતી. નિષ્ણાંતો માની રહ્યા છે કે દલિતો પરની પકડ માયાવતી ગુમાવી રહ્યા હોવાથી તેઓએ રાજ્યસભામાં રાજીનામુ આપી દલિતો વચ્ચે પોતાની સ્થિતિ મજબુત કરવાના પ્રયાસો કર્યા છે. માયાવતીનું રાજીનામું માત્ર રાજકીય ડ્રામા : ભાજપ ભાજપે આરોપ લગાવ્યો હતો કે માયાવતી રાજીનામુ આપી માત્ર રાજકીય ડ્રામા કરી રહ્યા છે. ભાજપના જનરલ સેક્રેટરી ભુપેન્દ્રસિંહ યાદવે આરોપ લગાવ્યો હતો કે લોકોને ગેરમાર્ગે દોરવા માટે માયાવતી રાજીનામાનું નાટક કરી રહ્યા છે. માયાવતીને રાજ્યસભામાં બોલવા માટે બે વખત તક આપવામાં આવી છતા તેઓએ સ્પિકર પ્રત્યે માન પ્રગટ ન કર્યું. માયાવતી ભાવુક થઇને લોકોની સહાનુભુતી લેવા માગે છે. ગૌ માતા તો બહાના હૈ, કિસાન કર્ઝ માફી સે ધ્યાન હટાના હૈ : લોકસભામાં સૂત્રોચ્ચાર રાજ્યસભા ઉપરાંત લોકસભામાં પણ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો. ગૌરક્ષકો દ્વારા થઇ રહેલા અત્યાચારો તેમજ ટોળા દ્વારા જાહેરમાં થતી હત્યાઓનું પ્રમાણ વધતા વિપક્ષે સરકારને ઘેરી હતી. આ ઉપરાંત ખેડૂતોના દેવા અને મ. પ્રદેશમાં ખેડૂતોનું ગોળીબારમાં મોતનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો. વિપક્ષે ભારે સત્રોચાર સાથે આ મુદ્દા ઉઠાવ્યા હતા. કેટલાકે ગૌ માતા તો બહાના હૈ, કીસાન કર્ઝ મારી સે ધ્યાન હટાના હૈના સુત્રો પોકાર્યા હતા. લોકસભામાં ચોમાસુ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસ, ડાબેરીઓ, આપ, ટીએમસી, જેડીયુ, આરજેડી વગેરે પક્ષો એક થઇ ગયા હતા અને દલિતો પર અત્યાચાર, ખેડૂતોની આત્મહત્યા અને દેવા માફી, ગૌરક્ષકો દ્વારા થઇ રહેલા હુમલા વગેરેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેને પગલે એક દિવસ માટે સંસદની કાર્યવાહીને સ્થગીત કરવી પડી હતી.