Page Views: 4192

શહેરમાં ધોધમાર વરસાદ કતારગામ-વેડરોડ ડભોલી બેટમાં ફેરવાયા

વહેલી સવારે ઠેર ઠેર ટ્રાફિક જામ- ભટારમાં ઓટો પર ઝાડ પડ્યું

સુરત-18-7-2017

છેલ્લા ત્રણ દિવસથી શહેરમાં વરસાદી માહોલ જામ્યો હતો પરંતુ ગઇ મધરાતથી આજે બપોર સુધી શહેરમાં ધોધમાર ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ખાસ કરીને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતા શહેરના જનજીવન પર બપોર સુધી તેની અસર જોવા મળી હતી. કતારગામ વિસ્તારની હાલત સૌથી વધારે કફોડી થઇ હતી અને મહાનગર પાલિકાનું તંત્ર દોડતું થયું હતું.

ફલડ કંટ્રોલ રૂમ પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત શહેરમાં ગઇ મધરાત બાદ શરૂ થયેલા વરસાદને કારણે વહેલી સવારે છ વાગ્યા સુધીમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ખાસ કરીને શહેરના કતારગામ કંતારેશ્વર મહાદેવ મંદિર પાસે, કતારગામ દરવાજા પાસે, સિંગણપોર ચાર રસ્તા, ડભોલી શાક માર્કેટ પાસે વિગેરે વિસ્તારોમાં ત્રણ થી ચાર ફુટ જેટલા પાણી ભરાયા હતા. વેડ ગામ નજીક પણ સંખ્યાબંધ સ્થળો પર જ્યાં નીચાણવાળા રોડ છે ત્યાં પાણી ભરાયા હતા. જેના કારણે સવારના સમયે બાળકોને સ્કૂલે જવામાં તેમજ દૂધ, શાકભાજી સપ્લાય કરનારાને મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો હતો. શહેરના વેડરોડ, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારો બેટમાં ફેરવાતા મહાનગર પાલિકાના તંત્રએ વરસતા વરસાદમાં પાણીના નીકાલ માટે ટીમોને દોડતી કરવી પડી હતી. ભટાર વિદ્યા ભારતી સ્કૂલ પાસે ઓટો ઉપર ઝાડ પડવાને કારણે નુકસાન થયું હતું જો કે, કોઇને પણ જાનહાની કે ઇજા થઇ ન હતી. સવારે છ વાગ્યા બાદ પણ શહેરમાં વરસાદનો દૌર જારી રહ્યા હતો. બપોરે બાર વાગ્યા સુધીમાં સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં 79 મી.મી. એટલે કે અંદાજે ચાર ઇંચ, વરાછા ઝોનમાં અંદાજે 48 મી.મી,. એટલે કે બે ઇંચ, રાંદેર ઝોનમાં 75 મી.મી. અંદાજે ત્રણ ઇંચ, કતારગામ ઝોનમાં 52 મી.મી, ઉધાનમાં 52 મી.મી, તેમજ લિંબાયતમાં 55 મી.મી જ્યારે અઠવામાં 25 મી.મી જેટલો વરસાદ નોંધાયો હતો.

બપોર સુધી વરસાદ પડતો રહેવાને કારણે સવારે ઓફિસ તેમજ ધંધા રોજગાર પર જવામાં લોકોને ટ્રાફિક જામનો સામનો કરવાનો વખત આવ્યો હતો. જો કે, બપોરે બે વાગ્યા પછી શહેરમાં વરસાદે વિરામ લેતા શહેરીજનોએ રાહતનો દમ લીધો હતો.