Page Views: 14299

આખરે કેન્દ્ર સરકાર સામે સુરતના વેપારીઓએ ઘુંટણ ટેકવ્યા- 18 દિવસ બાદ દુકાનો ખોલવા તૈયારી દર્શાવી

હવે આગામી 5મી ઓગસ્ટે મળનારી જીએસટી કાઉન્સીલની બેઠકમાં સરળીકરણની આશા સાથે રજૂઆતો કરશે વેપારીઓ

સુરત- 18-7-17

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સનો વિરોધ કરીને હડતાળ પર ઉતરેલા સુરતના વેપારીઓએ આખરે કેન્દ્ર સરકારના કડક વલણ સામે નમતું જોખવાની ફરજ પડી છે. રાજ્ય તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને થાકેલા જીએસટી સંઘર્ષ સમિતિના અગ્રણીઓ સહિત વેપારીઓએ આખરે પોતાની દુકાનો ખોલવાની તૈયારી દર્શાવી છે અને એક બે દિવસમાં જ સુરતના ટેક્સટાઇલ માર્કેટોની દુકાનોનો કારોબાર રાબેતા મુજબ થઇ જવાની સંભાવના જોવાઇ રહી છે. વેપારી અગ્રણીઓ દ્વારા હવે આગામી દિવસોમાં જીએસટી કાઉન્સીલ દ્વારા કેટલી રાહત આપવામાં આવે છે તેના પર નજર સ્થિર કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. 18 દિવસની હડતાળ બાદ જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા ઘુંટણીયા ટેકવી દેવામાં આવતા કેટલાક વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

કેન્દ્ર સરકારે કાપડના વેપારીઓ ઉપર લાગુ કરેલા જીએસટીને કારણે દોડતા થયેલા સુરતના ટેક્સટાઇલ ટ્રેડર્સ દ્વારા કેન્દ્રની આ જોગવાઇનો વિરોધ કરીને અચોક્કસ મુદત માટે કારોબાર બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યુ હતું. શહેરના રિંગરોડ પર આવેલી 165થી વધારે ટેક્સટાઇલ માર્કેટના 70 હજારથી વધારે વેપારીઓ અને કાપડ દલાલો આ લડતમાં જોડાયા હતા. તેમજ તારાચંદ કાસટ, ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલ, મહામંત્રી ચંપાલાલ બોથરા, રંગનાથ શારદા, અગ્રણી જયલાલ સહિતના તમામને સાથે લઇને જીએસટી સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. સંઘર્ષ સમિતિ દ્વારા રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં રજૂઆતો કરીને જીએસટી રદ્ કરવાની માંગણી વારંવાર દોહરાવવામાં આવી હતી. પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા સ્હેજ પણ નમતું જોખવામાં આવ્યું ન હતું આખરે હડતાળને કારણે કામ ધંધા વગર અટવાયેલા વેપારીઓ દ્વારા પોતાની દુકાનો ખોલવા માટે તૈયારીઓ કરવામાં આવી હતી. જીએસટી સંઘર્ષ સમિતિ દ્વારા મંગળવારે સવારે 11 વાગ્યાના સુમારે સુરત ટેક્સટાઇલ માર્કેટના બોર્ડ રૂમમાં તમામ ટેક્સટાઇલ માર્કેટોના પ્રમુખ અને સેક્રેટરીઓની એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં મોટા ભાગના તમામ વેપારી અગ્રણીઓ દ્વારા દુકાનો ખોલીને કારોબાર શરૂ કરવાનો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો.

બહુમતી વેપારીઓએ  જીએસટીના સરળીકરણની માંગણી ચાલુ રાખીને વેપાર શરૂ કરવાની તરફદારી કરતા આખરે માર્કેટોની તમામ દુકાનો ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત જીએસટી સંઘર્, સમિતિ સહિત તમામ વેપારીઓ એવી આશા રાખી રહ્યા છે કે, આગામી તા.3જી ઓગસ્ટના રોજ તેમની જે માંગણીઓ છે તેમાં સરકાર પુનઃ વિચારણા કરી અને રાહત આપશે.

ઃઃઃઃઃજીએસટીમાં 12 સુધારા થયા હજુ રાહત મળવાની આશા – તારાચંદ કાસટ

જીએસટી સંઘર્ષ સમિતિના અગ્રણી તારાચંદ કાસટે એક નિવેદનમાં જણાવ્યું છે કે, કેન્દ્ર સરાકાર સામેની આપણી માંગણીઓ હજુ પણ પેન્ડીંગ છે અને માર્કેટના અગ્રણીઓ સાથેની મીટીંગમાં લેવાયેલા નિર્ણય પ્રમાણે દુકાનો શરૂ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે જીએસટીમાં 12 પ્રકારના ફેરફાર કર્યા છે હજુ પણ નવા સુધારા થશે આગામી 3જી ઓગસ્ટના રોજ કાઉન્સીલની બેઠકમાં પણ કેટલાસ સુધારાઓ અંગે સ્પસ્ટતા થશે. વેપારીઓની લડત ચાલુ છે અને કારોબાર ચાલુ રાખી અને વેપારીઓ દ્વારા જીએસટી અંગે રજૂઆતોનો દૌર શરૂ રાખવામાં આવશે.