Page Views: 13774

વડોદરામાં સ્કુલવાન પલટી ખાઈ જતા 14 બાળકો ઈજાગ્રસ્ત

બેજવાબદાર વાનચાલક ડ્રાઇવરને સ્થાનિક લોકોએ મેથીપાક પણ ચખાડ્યો

વડોદરા :

         શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના વિદ્યાલયની શાળાના વિદ્યાર્થીઓને સ્કૂલમાં લઇ જતી વાન આજે વહેલી સવારે મુક્તાનંદ ચાર રસ્તા પાસે પલટી ખાતા 14 સ્ટુડન્ટ્સને સામાન્યથી ગંભીર ઇજાઓ પહોંચી હતી. બેજવાબદાર વાનચાલક ડ્રાઇવરને સ્થાનિક લોકોએ મેથીપાક પણ ચખાડ્યો હતો. આ બનાવની જાણ સ્ટુડન્ટ્સના વાલીઓને થતાં તુરંત જ તેઓ હાંફળા-ફાંફળા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

        વડોદરા શહેરના ન્યૂ વી.આઇ.પી. રોડ પર આવેલ શાસ્ત્રીનગરમાં રહેતો મહેન્દ્ર જાધવ આજે સવારે શહેરના સમા વિસ્તારમાં આવેલી નવરચના વિદ્યાલયની શાળાના વિવિધ વિસ્તારોમાં રહેતા 14 જેટલા સ્ટુડન્ટ્સને લઇને સ્કૂલ તરફ જતો હતો. કારેલીબાગ પાણીની ટાંકી તરફથી મુક્તાનંદ ચાર રસ્તા થઇ સમા જઇ રહ્યો હતો. તે સમયે મુક્તાનંદ ચાર રસ્તા પાસે વાન અચાનક જ પલટી ખાઇ ગઇ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે કારેલીબાગ પાણીની ટાંકી તરફથી પુરપાટ આવી રહેલી સ્કૂલવાનના ચાલકે મુક્તાનંદ ચાર રસ્તા પાસે ફૂલ સ્પીડમાં ટર્ન લેતા સ્ટુડન્ટ્સને લઇને જતી વાન પલટી ખાઇ ગઇ હતી. સ્કૂલ વાને પલટી ખાતા જ સ્ટુડન્ટ્સ આંક્રદમય ચીસો પાડી ઉઠ્યા હતા. સ્ટુડન્ટ્સની ચિસો અને પલટી ખાઇ ગયેલ વાનનો અવાજ સાંભળી સ્થાનિક લોકો તેમજ આ રસ્તા ઉપર પસાર થતાં લોકો દોડી ગયા હતા. અને સ્કૂલ વાનમાં ફસાઇ ગયેલા વિદ્યાર્થીઓને બહાર કાઢી તુરંત જ નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જેમાં ધોરણ-8માં અભ્યાસ કરતી આયુષી નાયક (ઉં.વ.14) અને જાનવી (ઉં.વ.13) સહિત 4 વિદ્યાર્થીઓને વધુ ઇજા પહોંચી હતી.