Page Views: 16000

સૌરાષ્ટ્રમાં આભ ફાટ્યું: ચોટીલામાં ૨૪ ઇંચ અને રાજકોટમાં ૧૮ ઇંચ વરસાદ

રાજકોટના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ: ચોટીલાની ભોગાવોમાં બે લોકો ફસાયા

રાજકોટ:-

        સૌરાષ્ટ્રના ચોટીલા અને રંગીલા રાજકોટમાં મેઘરાજાએ વ્હાલ વરસાવ્યુ છે. ચોટીલામાં છેલ્લાં ૧૫ કલાકમાં ૨૪ ઇંચ વરસાદ સાથે આભ ફાટ્યું છે. તો રાજકોટમાં છેલ્લા ૧૬ કલાકમાં ૧૮ ઈંચ વરસાદ વરસતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. આવી જ રીતે આજે વહેલી સવાર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.

        રાજકોટમાં વહેલી સવારથી પડેલા વરસાદને કારણે કર્ફયુ જેવુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. શહેરમાં તમામ શાળા-કોલેજોએ સવારના રજા જાહેર કરી દીધી હતી તો બીજી તરફ શહેરના અનેક લોકો દુધ અને અખબારો વિહોણા રહ્યા હતા. રસ્તા ઉપર રીતસરની નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નીણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવકરી નાશ પામી છે. બચાવ ટુકડીઓ અસરગ્રસ્ત વિસ્તારો પહોંચી ગઇ હતી અને અનેક લોકોને સલામત સ્થળે ખસેડયા પણ હતા. આજી નદીના કાંઠે રહેતા લોકોને અન્ય સ્થળે લઇ જવાયા હતા.

        આવી જ રીતે, ચોટીલામાં પણ શુક્રવારે શરૂ થયેલો વરસાદ ક્ષણિક વિરામ બાદ અવિરત વરસવાનું ચાલુ છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં છેલ્લાં ૧૫ કલાકમાં ૨૪ ઈંચ વરસાદ ખાબક્યો જેના કારણે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ભોગાવો નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના કારણે બે લોકો ફસાયા હતાં. 20 વર્ષ પહેલા ભારે વરસાદનું આજે પુનરાવર્તન થયું છે. સુરેન્દ્રનગરથી એનડીઆરની 2 ટીમોને બોલાવવામાં આવી છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવાઇ છે. જ્યારે મુળાવાવ પાસેના ચામુંડા મંદિરના પુજારી પરિવારને પાણીમાંથી બચાવી લેવાયા છે. શાસ્ત્રીનગર, જ્યોતિનગર, વૃંદાવન સોસાયટી, મધુવન સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા હતા. મોરસલ, ત્રિવેણી ખાંગા ઓવરફ્લો થયા છે. વરસાદના પાણીમાં અનેક પશુઓ તણાયા હોવાનું જાણવા મળ્યું છે.ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો હતો જેના કારણે સુરેન્દ્રનગરના કૃષ્ણનગર વિસ્તારની પાછળ આવેલી ભોગાવો નદીમાં બે લોકો ફસાયા હતા. આ બે લોકોને બચાવવા માટે ગાંધીનગરથી NDRFની ટીમ રવાના થઈ છે. 

        જોકે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે ભારે વરસાદને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. જ્યારે અમદાવાદ-સુરેન્દ્રનગર હાઈવે બંધ કરાયો હતો.