Page Views: 113455

બોલિવુડને સુરતની સૌથી મોટી ભેટ એટલે સુરતના હરિભાઇ જરીવાળા ઉર્ફે સંજીવ કુમાર

શ્રેષ્ઠ અભિનેતા, કોમેડીયન, રોમેન્ટીક હીરો હતા આપણા સંજીવ કુમાર

નરેશ કાપડિયા દ્વારા

સુરતે હિન્દી ફિલ્મોને આપેલી સૌથી મોટી ભેટ એટલે આપણા હરિભાઈ જરીવાલા યાને સંજીવ કુમાર. જો તેઓ હોત તો આજે ૭૯ વર્ષના થાત. ૯ જુલાઈ ૧૯૩૮નો તેમનો સૂરતમાં જન્મ.તેઓ એક મહાન અભિનેતા રૂપે હંમેશા યાદ કરાય છે. ‘શ્રેષ્ઠ અભિનેતા’ રૂપે તેમને અનેક સન્માન મળ્યાં છે, જેમાં ‘દસ્તક’ કે ‘કોશિશ’ના નેશનલ એવોર્ડ્સ પણ છે અને ‘શોલે’ના ઠાકુર રૂપે પણ તેમને કાયમી યાદ કરાય છે. રોમાન્ટિકથી માંડી થ્રીલર પ્રકારની ફિલ્મોમાં સંજીવ કુમારે અભિનય કર્યો હતો. તેમના સમયના અન્ય અભિનેતાઓથી જુદા પડીને સંજીવજી નોન-ગ્લેમરસ ભૂમિકા કરી લેતાં હતા. ત્રિશુલ’ની પણ તેમની આવી એક ભૂમિકા હતી. તેઓ બહુ જ સારી કોમેડી કરી શકતા હતા. જેમાં ‘પતિ પત્ની ઔર વોહ’, ‘અંગૂર’, ‘બીવી ઓ બીવી’ કે ‘હીરો’ને યાદ કરી શકાય. તેમની વિવધતા અને પાત્રોના નિરૂપણ માટે સંજીવ કુમારને ‘હંમેશા યાદ કરાશે.

સૂરતમાં હરિહર જેઠાલાલ જરીવાલા (હરિભાઈ) રૂપે સુરતના લેઉઆ પાટીદાર પરિવારમાં જન્મેલા હરિભાઈતે તેમનું બાળપણ સૂરતમાં વિતાવ્યું હતું. પછી પરિવાર મુંબઈમાં સ્થાયી થયું. તેમના બે નાના ભાઈએ અને એક બહેન છે.

મુંબઈમાં ઇપ્ટામાં હિન્દી નાટકો અને આઈએનટીમાં ગુજરાતી નાટકો ભજવીને હરિભાઈએ અભિનય યાત્રા શરૂ કરી હતી. રંગમંચ પર પણ માત્ર ૨૨ વર્ષની ઉમરે હરિભાઈ વડીલોના પાત્ર ભજવતા હતા. જેમાં આર્થર મિલરનું ખ્યાતનામ નાટક ‘ઓલ માય સન્સ’ યાદગાર હતું. ‘હમ હિન્દુસ્તાની’ (૧૯૬૦)થી સંજીવ કુમારે ફિલ્મી અભિનયની શરૂઆત કરી હતી. ‘નિશાન’માં તેઓ મુખ્ય ભૂમિકા કરતા હતા. ગુજરાતી ફિલ્મ ‘મારે જાવું પેલે પાર’ જે હિન્દીમાં ‘ખિલૌના’ રૂપે આવ્યું તેના નાયકની ભૂમિકાથી તેઓ ખુબ લોકપ્રિય થયા. દિગ્દર્શક ગુલઝારની ‘કોશિશ’, ‘આંધી’, ‘મૌસમ’, ‘અંગુર’ કે ‘નમકીન’માં સંજીવ કુમાર સોળે કળાએ ખીલ્યા હતા. તેમણે સાથે નવ ફિલ્મો કરી હતી.‘સીતા ઔર ગીતા’, ‘મનચલી’માં કોમેડી કરતાં કે ‘આપ કી કસમ’માં હરિભાઈ સ્ટાર બની ગયા હતા.

જે કેટલીક નિષ્ફળ ફિલ્મો માત્ર સંજીવ કુમારના બેહતરીન અભિનયને કારણે યાદ રહેશે તેમાં ‘ચરિત્રહીન’, ‘અંગારે’, ‘ગૃહપ્રવેશ’, ‘ચેહરે પે ચેહરા’, ‘સવાલ’ કે ‘યાદગાર’ને યાદ કરી શકાય. કોઈ પણ અભિનેતા માટે પડકારરૂપ બને એવી ભૂમિકાઓની સંજીવ કુમાર રાહ જોતાં હતા. સત્યજીત રાયની ‘શતરંજ કે ખિલાડી’માં તેઓ ચેસના લખનવી દીવાના મિર્ઝા સજ્જાદ અલી હતા, ‘શોલે’ અને ‘ત્રિશુલ’માં પણ તેઓ યાદગાર હતા. ‘નયા દિન નઈ રાત’માં સંજીવ કુમારે નવ ભૂમિકા કરી હતી. જે શિવાજી ગણેશને તમિલ ફિલ્મ ‘નવરાથ્રી’માં કરી હતી. મોટા સ્ટાર્સ સામે તેઓ પડકાર બનતા, જેમકે રાજેશ ખન્ના સામે ‘બંધન’ કે ‘આપ કી કસમ’, અમિતાભ બચ્ચન કે શશી કપૂર સામે યશ ચોપરાની ‘ત્રિશૂલ’, અને દિલીપ કુમાર સામે સુભાષ ઘાઈની ફિલ્મ ‘વિધાતા’માં.

 

માલા સિંહા સાથે સંજીવ કુમારે ‘કંગન’, ‘રિવાજ’, ‘બેરહમ’, ‘અર્ચના’, ‘દો લડકિયાં’ જેવી ફિલ્મો કરી હતી, પણ તેમની ‘ઝીંદગી’ની ભૂમિકાઓ યાદગાર હતી. તનુજા સાથે તેમણે ‘પ્રિયા’, ‘અનુભવ’, ‘ગુસ્તાખી માફ’, ‘બચપન’ કે ‘ખુદ્દાર’ જેવી ફિલ્મો કરી હતી. રાખી સાથે ‘અંગારે’, ‘પારસ’, ‘તૃષ્ણા’, ‘શ્રીમાન શ્રીમતિ’, ‘હમારે તુમ્હારે’ જેવી ફિલ્મો કરી હતી, તો લીના ચંદાવરકર સાથે ‘અપને રંગ હજાર’, ‘મનચલી’ અને ‘અનહોની’ કરી હતી. સુલક્ષણા પંડિત સાથે ‘ઉલઝન’, ‘વક્ત કી દીવાર’ અને મૌસમી ચેટરજી સાથે ‘ઇતની સી બાત’, ‘દાસી’ કરી હતી. સંજીવ કુમારે માતૃભાષા ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી, તમિલ, તેલુગુ અને સિંધી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.

સંજીવ કુમાર આજીવન કુંવારા રહ્યા. તેમણે હેમા માલીનીને ૧૯૭૩માં લગ્નનું આમંત્રણ આપ્યું હતું અને સંજીવ કુમારને ૧૯૭૬માં પહેલો હૃદય રોગનો હુમલો થયો ત્યાં સુધી તેઓ સંપર્કમાં હતાં. પછી તેઓ સુલક્ષણા પંડિત સાથે પણ નિકટ હતા. પણ બંને અપરિણીત રહ્યાં. કહે છે કે સંજીવ કુમારે તેમની સાથે લગ્ન કરવાની ના પાડતાં સુલક્ષણા કાયમી અપરિણીત રહ્યાં.સંજીવ કુમારના નીકટના મિત્રોમાં રાજેશ ખન્ના, શશી કપૂર, શર્મિલા ટાગોર, તનુજા, દેવેન વર્મા, ગણેશન, બી. નાગી રેડ્ડી હતા.

સંજીવ કુમારના હૃદયમાં જન્મજાત ખામી હતી. તેમના પરિવારના ઘણાં સભ્યો ૫૦ વર્ષથી વધુ નહોતા જીવ્યાં. હૃદય રોગના પહેલાં હુમલા પછી સંજીવ કુમારે અમેરિકા જઈ બાય-પાસ સર્જરી કરાવી હતી. છતાં, ૬ નવેમ્બર, ૧૯૮૫ના રોજ માત્ર ૪૭ વર્ષની ઉમરે તેમને હૃદય રોગનો ભારે હુમલો થયો જેમાંથી તેઓ બચી શક્યા નહીં. વિધિની વક્રતા જ હતી. ઘણી ફિલ્મોમાં વૃદ્ધોની ભૂમિકા કરનારા આ મહાન અભિનેતા જીવનના ૫૦ વર્ષ પણ પાર કરી શક્યા નહોતા, એ તેમના નાના ભાઈ નીકુલ તેમનાથી વહેલાં અને બીજા અભિનેતા ભાઈ કિશોર જરીવાલા સંજીવ કુમારના મૃત્યુના છ માસમાં ગુજરી ગયા હતા.

સંજીવ કુમારના મૃત્યુ બાદ તેમની દસથી વધુ ફિલ્મો રજૂ થઇ. જેમાં આઠ વર્ષ બાદ ‘પ્રોફેસર કી પડોસન’ તો ૧૯૯૩માં રજૂ થઇ હતી. તેમના નિધન સમયે પોણા ભાગની ફિલ્મ પુરી થઇ હતી, અને એવો નિર્ણય લેવાયો કે વાર્તામાં ફેરફાર કરીને સંજીવ કુમારની ગેરહાજરીની નોંધ લઇને ફિલ્મ રજૂ કરાઈ હતી.