Page Views: 2479

આવતીકાલે ગોંડલમાં હાર્દિક પટેલનો ૩૫ કિ.મી. લાંબો રોડ-શો: સાંજે દેરડી(કુંભાજી)માં જાહેરસભા

શનિવારના બપોરે બે કલાકે હાર્દિક પટેલ ગોમટા પહોંચશે.

ગોંડલ:-

        આવતીકાલે  'પાસ'ના કન્વીનર હાર્દિક પટેલનો ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩૫ કિ.મી.નો લાંબો રોડ શો યોજાશે. જેના માટે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.છેલ્લા થોડા સમયથી પાટીદાર અનામત આંદોલન પ્રમુખ રહ્યા બાદ જાણે આંદોલનની નવી ઈનીંગ શરૂ થનાર હોય તેમ ગોંડલને એપી સેન્ટર બનાવી હાર્દિક પટેલ દ્વારા તા. ૮ શનિવારના તાલુકાના ગોમટાથી દેરડી સુધી રોડ શો કરી દેરડી જાહેરસભાનું આયોજન કરાયુ છે. આગામી સમયમાં મોવિયા કોલીથડ અને ગોંડલ શહેરમાં રોડ શો સાથે જાહેરસભા યોજાશે તેવુ પાસના સૂત્રોએ જણાવ્યુ હતું.

          આગામી વિધાનસભાની ચૂંટણી નજદીકમાં જ હોય અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે ગોંડલ પંથકને અગ્રતા આપી ઈનીંગ શરૂ કરી હોય પંથકમાં રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.પાટીદારોની બહુમતી ધરાવતા ગોંડલ પંથકને નજરઅંદાજ કરી હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સૌરાષ્ટ્રમાં વેગવંતુ કરવા કરાયેલ આયોજનો અંગે તાલુકા પાસ કન્વીનર મહેશભાઈ ખુંટે જણાવ્યુ કે સૌરાષ્ટ્રમાં પાટીદાર અનામત આંદોલનને નવો વેગ આપવા ગોંડલ ને એપી સેન્ટર બનાવી પ્રારંભ કરાશે. જેમાં શનિવારના બપોરે બે કલાકે હાર્દિક પટેલ ગોમટા પહોંચશે..

   જ્યાં પાટીદારો દ્વારા તેનુ સ્વાગત સન્માન કરાશે બાદમાં ગોમટાથી રોડ શો શરૂ કરાશે જે નવાગામલીલીયાદેવળાસુલતાનપુરરાણસીકી થઈ દેરડી પહોચશે. બાદમાં દેરડી ખાતે સાંજે વિવેકાનંદ સ્કૂલની બાજુમાં હાર્દિક પટેલ સભાને સંબોધન કરશે. હાર્દિક પટેલના રોડ શોમાં બાઈક,ફોરવ્હીલ સહિત તાલુકાભરના પાટીદારો બહોળી સંખ્યામાં જોડાશે.

          હાર્દિક પટેલ દ્વારા આગામી સમયમાં મોવિયા અને કોલીથડમાં સભાનુ આયોજન થનાર છે. ઉપરાંત ગોંડલ શહેરને કેન્દ્રમાં રાખી ગોંડલમાં રોડ શો અને જાહેરસભાનું આયોજન કરાયુ છે. સમગ્ર ગુજરાતના રાજકારણને ખળભળાવનાર અને આનંદીબેન પટેલની મુખ્યમંત્રી પદેથી ઘર વાપસી કરનાર પાટીદાર અનામત આંદોલનનો નવો એપીસોડ સૌરાષ્ટ્રમાં ગોંડલથી શરૂ થનાર હોય ઉત્તેજના સાથે રાજકીય ગરમાવો આવી જવા પામ્યો છે.