Page Views: 2050

કૃષિ-લોન માફ કરવાથી ખેડૂતોની આત્મહત્યાનો ઉકેલ નહીં આવે: સુપ્રીમ

સરકારની કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર જ ના રહેવી જોઇએ

નવી દિલ્હી:-

        દેશમાં ખેડૂતોની આત્મહત્યાના બનતા બનાવોએ સુપ્રીમ કોર્ટને પણ  સખ્ત ટીકા કરવાની ફરજ પાડી હતી અને કોર્ટે કહ્યું હતું કે  સરકારની કલ્યાણકારી યોજનાઓ માત્ર કાગળ પર જ રહેવી ના જોઇએ અને ગ્રામીણ દેવાના સમસ્યાઓને વળતર આપી ઉકેલી  શકાય નહીં.

        કોર્ટે કહ્યું હતું કે માત્ર વળતર આપી દેવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે. આત્મહત્યાનો ઉકેલ માત્ર વળતર નથી. ખેડુતો દેવું ભરપાઇ કરી શકતા નથી તે હકીકત છે. ખેડૂત તરફી ફસલ બીમા યોજના જેવી યોજનાઓના લાભ જોવા માટે એકાદ વર્ષની રાહ જોવી પડે એવી કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત પછી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે દેશમાં આત્મહત્યા કરતા ખેડૂતોની વધતી જતી સંખ્યાનો મુદ્દો રાતોરાત ઉકેલી શકાય એમ નથી.' અમે એ મતના છીએ કે  ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો રાતોરાત ઉકેલી શકાય નહીં. અસરકારક પરિણામ માટે થોડી રાહ જોવી પડે એવી એટર્ની જનરલની રજૂઆત પછી ચીફ જસ્ટિસ જે.એસ. ખેહર અને ડી.વાય. ચંદ્રચુડની બેંચે આજે  આ મુજબ કહ્યું હતું. કોર્ટે કેન્દ્ર સરકારને  વધુ સમય આપ્યો હતો અને સિટિઝન રિસોર્સીસ તેમજ એકશન ઇનિશિએટિવ જેવી સ્વંયસેવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા જાહેર હિતની અરજીની વધુ સુનાવણી  છ મહિના પછી રાખી હતી. કેન્દર સરકાર વતી હાજર રહેલા એટર્ની જનરલ કે.કે.વેણુ ગોપાલે સરકારની ખેડૂત તરફી વિવિધ યોજનાઓ ગણાવી હતી અને સરકાર દ્વારા  ખેડુત તરફી લેવામાં આવેલા પગલાં અંગે પણ કોર્ટને વાકેફ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ૧૨ કરોડ ખેડૂતો પૈકી ૫.૩૪ ખેડૂતોને ફલસ વીમા યોજના સહિત અનેક યોજનાઓમાં આવરી લેવાયા છે. લગભગ ૩૦ ટકા ખેતરની જમીનને પાક વીમા યોજનામાં આવરી લેવાઇ છે અને વર્ષ ૨૦૧૮ના અંત સુધીમાં આ આંકડો વધી જશે. ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધતા જાય છે એવી વાત સાથે શરૃઆતમાં સમંત થયેલી કોર્ટે સરકારની રજૂઆતને પણ સાંભળી હતી અને તેમની વાત રજૂ કરવા વધુ સમય ફાળવ્યો હતો.