Page Views: 26293

લંડનની કોર્ટમાં માલ્યાએ આપી હાજરી: આખરી સુનાવણી ચોથી ડિસેમ્બરે

બેંકોના નવ હજાર કરોડના દેવા મુદ્દે ભારતે બ્રિટન સામે માલ્યાના પ્રત્યાર્પણની રજૂઆત કરી હતી

લંડન:-

        ભારતની વિવિધ બેંકોનું ૯ હજાર કરોડ રૃપિયાનું દેવું કરીને બ્રિટન ભાગી ગયેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાનો કેસ લંડનની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં ચાલી રહ્યો છે. ૬ઠ્ઠી જુલાઈએ સુનાવણી હોવાથી માલ્યાએ હાજરી આપી હતી. કોર્ટ આખરી સુનાવણી ૪થી ડિસેમ્બરે થશે.

        વિજય માલ્યાના પ્રત્યાર્પણ માટે ભારતે બ્રિટનને રજૂઆત કરી હતી. એ પછી સ્કોટલેન્ડ યાર્ડની પોલીસે એપ્રિલમાં માલ્યાની ધરપકડ કરી હતી. જોકે, ગણતરીના સમયમાં માલ્યાનો જામીન પર છૂટકારો થયો હતો. માલ્યાને એ વખતે જ ૬ ડિસેમ્બર સુધીના જામીન મળી ગયા હતા. દરમિયાન લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં માલ્યાના પ્રત્યાર્પણ મુદ્દે કેસ ચાલી રહ્યો છે. વિજય માલ્યાની સોંપણી ભારતને કરવી કે કેમ તે મુદ્દે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી કોર્ટ પ્રત્યાર્પણ અંગે આખરી સુનાવણી ૪ ડિસેમ્બરે કરશે. પ્રાથમિક સુનાવણી ૬ઠી જુલાઈએ હોવાથી કોર્ટે માલ્યાને હાજર રહેવાનું ફરમાન કર્યું હતું. માલ્યાએ કોર્ટની સુનાવણી પહેલાં મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તેને બ્રિટનની ન્યાય સિસ્ટમ ઉપર સંપૂર્ણ ભરોસો છે અને સુનાવણી સુધી કશું જ કહેશે નહીં. તેણે ઉમેર્યું હતું કે હું મારા વકીલોની સલાહ પ્રમાણે ચાલી રહ્યો છું. સુનાવણી દરમિયાન કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળી હતી. માલ્યાના વકીલોએ કોર્ટને આગામી વર્ષે ફાઈનલ સુનાવણી કરવા જણાવ્યું હતું.  ભારતનો પક્ષ રજૂ કરી રહેલી બ્રિટનની સરકારી એજન્સી ક્રાઉન પ્રોસેક્શન સર્વિસના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે ભારતે જરૃરી દસ્તાવેજો આપ્યા છે અને એ દસ્તાવેજોનો રીવ્યું પણ થઈ ચૂક્યો છે એટલે આગામી વર્ષે સુનાવણી કરવાને બદલે આ વર્ષના અંતમાં સુનાવણી થાય એ વધુ યોગ્ય રહેશે. સરકારી એજન્સીની દલીલો પછી કોર્ટે આખરી સુનાવણી ૪થી ડિસેમ્બરે થશે એવી જાહેરાત કરી હતી.