Page Views: 51807

વડતાલ સ્વામીનારાયણ મંદિરના ભૂતપૂર્વ ગાદીપતિ અને સેકસ સીડીકાંડમાં સંડોવાયેલા અજેન્દ્ર પ્રસાદને HCની નોટીસ

૧૧ વર્ષ કરતાં વધુ સમય સુધી ભાગેડુ રહેલા અજેન્દ્રપ્રસાદને કોર્ટે જામીન આપી દીધા?

અમદાવાદ:-

     ગુજરાતભરમાં ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભારે ખળભળાટ મચાવનારા વિવાદાસ્પદ સેક્સ સીડીકાંડ મામલે વડતાલ સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિ પદેથી દૂર કરાયેલા આચાર્ય અજેન્દ્રપ્રસાદને ગુજરાત હાઇકોર્ટે નોટિસ પાઠવી છે. અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપી દેવાતાં તેમના જામીન રદ કરવા માટે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને આચાર્ય અજેન્દ્રપ્રસાદને નોટિસ જારી કરી છે. આ કેસની આગામી સુનાવણી તારીખ 17મી જૂલાઇએ કરવામાં આવશે.

        વિવાદાસ્પદ સેક્સ સીડી કાંડ પ્રકરણમાં અજેન્દ્રપ્રસાદ સામે અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટમાં ચાલી રહેલા કેસમાં તેઓ વારંવારના વોરંટ છતાં કોર્ટમાં ગેરહાજર રહેતાં તેમની સામે સીઆરપીસીની કલમ-70(2) હેઠળ વોરંટ ઇશ્યુ કરાયું હતું. જે વોરંટ રદ કરવા અજેન્દ્રપ્રસાદે હાઇકોર્ટ અને ત્યારબાદ સુપ્રીમકોર્ટ સુધી અરજી કરી હતી. સુપ્રીમકોર્ટે ગુણદોષના આધારે નિર્ણય લેવા નીચલી કોર્ટને હુકમ કર્યો હતો. જો કે, તેમ છતાં સેશન્સ કોર્ટ દ્ધારા ઓગસ્ટ, 2016માં આચાર્ય અજેન્દ્રપ્રસાદને જામીન આપી દેવામાં આવ્યા હતા. બાદમાં અજેન્દ્રપ્રસાદના જામીન રદ કરાવવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે 11 વર્ષ કરતાં વધુ સમય સુધી ભાગેડુ રહેલા અજેન્દ્રપ્રસાદને કોર્ટે જામીન આપી દીધા, તે હુકમ વાજબી ના કહી શકાય. એટલું જ નહી, અજેન્દ્રપ્રસાદના રિમાન્ડ પણ સરકાર દ્વારા માંગવામાં આવ્યા ન હતા એટલું જ નહીં પણ જામીન સામે વાંધો ઉઠાવવામાં પણ આવ્યો નહોતો. તે સિવાય અરજીમાં કહ્યું કે, નીચલી કોર્ટે પણ કેસના ઘણા પાસાઓ અવગણીને અજેન્દ્રપ્રસાદના જામીન મંજૂર કર્યા છે, જે હુકમ અયોગ્ય અને ખોટો હોઇ તેમના જામીન રદ થવાપાત્ર છે. ઉલ્લેખનીય છે કે, વડતાલ સ્વામિનારાયણ મંદિરની ગાદીના વિવાદમાં કેટલાક સાધુની સેક્સ સીડી બહાર આવી હતી. જેમાં અજેન્દ્રપ્રસાદની સંડોવણી પણ બહાર આવી હતી. ખૂબ જ સંવેદનશીલ એવા આ સમગ્ર પ્રકરણમાં છેવટે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.