Page Views: 22966

સ્ત્રીની ઈર્ષ્યા અને પુરુષનો અહમ તેને પ્રગતિના પંથે લઇ જાય...

આપણે જ આપણી ભાવિ પેઢીમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કરીને સ્ત્રી ને સ્ત્રીની સાચી મિત્ર બનવા પ્રેરણા આપીએ

વિચાર યાત્રા...

નીતા સોજીત્રા (નીશો) દ્વારા

 

સેંટમેરી સ્કૂલનું એન્યુઅલ ફંકશન શરૂ થઈ ચૂક્યું હતું અને હવે ફેન્સીડ્રેસ કોમ્પિટિશન નો આખરી રાઉન્ડ ચાલી રહ્યો હતો. ઇશાનીનો વારો આવી ગયો હતો અને હવે આહનાનું નામ એનાઉન્સ થયું પણ આ શું?? આહનાનો ડ્રેસતો  નીચેથી બિલકુલ ચિરાઈ ગયો હતો એ ચાલી પણ શકે એમ ન હતી . સાત વર્ષની આહનાનું નામ વારંવાર બોલાઈ રહ્યું હતું પણ એ સ્ટેજ પર ન જઇ શકી અને આખરે એને ડિસ્ક્વોલિફાઇડ જાહેર કરાઈ.આખરી રાઉન્ડના અંતે ઈશાની પ્રથમ વિજેતા જાહેર થઈ. કોમ્પિટિશન પુરી થઈ અને બધા ઘેર આવ્યા આહના ખૂબ રડતી હતી એની મમ્મીએ સમજાવી કે ભાડેથી લેવાયેલો ડ્રેસ હતો તો ફાટી ગયો હશે ચાલ્યા કરે તું ચાર રાઉન્ડ માં અવ્વલ આવી એ કઈ ઓછું છે? અને ટ્રોફીતો ઘરમાં જ આવી ને? નાની આહના તો માની ગઈ પણ રાતે બંને દિકરીઓના સ્કુલબેગ ખાલી કરતા ઈશાની ના બેગમાંથી બ્લેડ મળી આવી. એમની મમ્મી તો ડઘાઈ ગઈ પણ સવારે ખૂબ સમજાવટથી ઈશાનીને પૂછતાં એણે કબૂલ કર્યું કે આહનાનો ડ્રેસ એણે જ ફાડેલો.

   ઈશાની અને આહના બંને ટ્વિનસિસ્ટર પણ આહના ખૂબ દેખાવડી અને તેજસ્વી જ્યારે ઈશાની તોફાની, નટખટ અને ઝગડાખોર પણ ખરી. બચપણથી જ ઈશાની આહના પ્રત્યે ખૂબ જ ઇર્ષ્યાળું અને આ સ્પર્ધામાં પણ બંને આખરી રાઉન્ડ માં પહોંચી હતી અને એ બંને હોય ત્યાં આહના જ વિજેતા બને એટલે એને સ્પર્ધામાંથી હટાવવા બાળકબુદ્ધિની ઇશાનીએ આવું ગંભીર પગલું ભર્યું.

     ફિલ્મો સમાજનો અરીસો છે . આવા ઘણા કિસ્સાને લઇ ને જુદી જુદી ફિલ્મો બની છે. મારી દ્રષ્ટિએ સ્ત્રી અતિ સંવેદનશીલ હોવાના લીધે ક્યારે એની સંવેદના ઈર્ષ્યામાં પરિણમે છે એ ખુદ એને પણ નથી સમજાતું.

 આમ તો હું માનું છું કે સ્ત્રીઓ માં ઈર્ષ્યા અને પુરુષમાં અહમ હોવાજ જોઈએ એ એની પ્રગતિ ની સીડીના પગથિયાં છે. સફળતાની  ટોચ પર પહોંચવા માટે  કર્તવ્યનિષ્ઠા, પ્રામાણિકતા, વિનમ્રતા, સાહસ, ઈર્ષ્યા આ બધા જ પગઠિયાથી બનેલી  સીડી ચડવી પડે છે પણ અતિરેક તો અમૃતનો પણ ત્યાજ્ય છે. 

    મેં હંમેશા જોયું છે કે એક સ્ત્રી માં સ્ત્રી પ્રત્યે વધુ ઇર્ષ્યાભાવ હોય છે. દેખાવ,સ્વભાવ થી લઈને આવડત સુધીની  દરેક બાબતની ઇર્ષ્યા સ્ત્રીમાં ભરી હોય છે. આવી ઈર્ષ્યા સામેવાળાનું નુકસાન તો કરે જ છે પણ એથી વધુ એ પોતાની જાતનું નુકસાન કરે છે. 

   એક એવો જોક્સ પણ બહુ વાંચવામાં આવ્યો છે કે સ્ત્રી એની લિપસ્ટિક પણ ઇર્ષ્યાભાવથી કોઈ સાથે શેર નથી કરતી અને પુરૂષો કપડા પણ બિન્ધાસ્ત શેર કરે છે. 

     સ્ત્રીની ઈર્ષ્યા મજાક મસ્તી થી શરૂ થઈને કોઈના ઘરભંગ નું  નિમિત્ત બન્યાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવ્યા છે 

  જે . ઓમપ્રકાશની એક બહુ જ સરસ ફિલ્મ આવેલી 'આખિર ક્યોં?' સ્મિતા પાટીલ, રાજેશ ખન્ના અને રાકેશ રોશન જેમાં  બે બહેનો ની ઈર્ષ્યા સંબંધોમાં કેટલી હદે તિરાડ પાડે છે એ બતાવતી આ ફિલ્મનું એક ગીત ...દુશ્મન ન કરે દોસ્તને વો કામ કિયા હૈ... ખૂબ લોકપ્રિય થયેલું... અને આજે પણ એટલું જ લોકપ્રિય અને વાસ્તવિક પણ છે.

    સ્ત્રી....લાગણી,પ્રેમ,દયા,કરુણા,મમતા,ત્યાગ,બલિદાન...ની મૂર્તિ કહેવાઈ છે દેવીનું રૂપ માની આપણી સંસ્કૃતિમાં સ્ત્રી પૂજાતી આવી છે. પણ સમાજમાં આજે પણ સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન સાબિત થાય છે. કન્યા કેળવણી માટે શાળાઓ છે જ પણ આવા સંસ્કાર, આવી કેળવણી અને આવી સમજણ તો માતાએ જ આપવી રહી આખરે એ પણ એક સ્ત્રી છે. કદાચ એટલે જ એક સ્ત્રી અને એક પુરુષ ઉત્તમ મિત્ર સાબિત થાય છે. જો કે હજી આ કલ્ચર, આ માહોલ અને આ દ્રષ્ટિકોણ આપણા સમાજમાં નથી પણ હું અંગતપણે એવું માનું છું કે વિજાતીય પાત્રો ઉત્તમ મિત્ર સાબિત થાય છે...

     સમાજમાં એવા પણ દાખલા મોજુદ છે કે એક બહેનના બાળકો સાચવવા બીજી બહેન આજીવન સંસાર સુખથી વંચિત રહેવાનું પસંદ કરે છે પણ આવા કિસ્સાઓ ઉપર ઇર્ષ્યાભાવ વાળા કિસ્સા એટલા હાવી થઈ જાય છે કે આવા સારપના કિસ્સા એમા ક્યાંય દટાઈ જાય છે.

  ચાલો આપણે આજથી જ સંકલ્પ કરીએ કે આપણે જ આપણી ભાવિ પેઢીમાં ઉચ્ચ સંસ્કારનું સિંચન કરીને સ્ત્રી ને સ્ત્રીની સાચી મિત્ર બનવા પ્રેરીશું.

 

જય હો...NISHO...