Page Views: 31742

સુરતમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.10 લાખના હીરાના પેકેટની લુંટ

પટેલ જયંતી અંબાલાલની પેઢીનો ડિલિવરીમેન બ્રીજેશ પટેલ સવારે કતારગામમાં ડાયમંડ પેકેટની ડિલિવરી આપવા જતો હતો

સુરત-7-7-17

શહેરના લાલદરવાજા પટેલવાડી વિસ્તારમાંથી પસાર થતા આંગડીયા પેઢીના ડિલિવરીમેનને ત્રણ અજાણ્યા ઇસમોએ છરા બતાવીને તેની પાસેથી ડાયમંડ પેકેટની લુંટ ચલાવી હતી. આ ઘટનાને પગલે દોડતી થયેલી શહેર પોલીસે નાકાબંધી કરી હતી પરંતુ લુંટારાઓ હવામાં ઓગળી ગયા હોય એમ કોઇ હાથ લાગ્યું ન હતું. 

મહિધરપુરા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર, શહેરના મહિધરપુરા ભવાનીવડ વિસ્તારમાં પટેલ જયંતીલાલ અંબાલાલની આંગડીયા પેઢી આવેલી છે. સુરત શહેર ઉપરાંત મુંબઇ, ભાવનગર, રાજકોટ, મહેસાણા સહિતના શહેરોમાં આ આંગડીયા પેઢીની બ્રાન્ચ છે. આજે સવારે મહિધરપુરા ભવાની વડની ઓફિસ પરથી તૈયાર તેમજ કાચા હીરાની ડિલિવરી આપવા માટે બ્રીજેશ કનુભાઇ પટેલ નામનો ડિલિવરી બોય પોતાની ટુ વ્હીલર પર નીકળ્યો હતો. લાલ દરવાજા પટેલ વાડી પાસે તેની ટુ વ્હીલરને ઓવર ટેક કરી અને એક નંબર પ્લેટ વગરની ફોર વ્હીલરમાં આવેલા ત્રણ ઇસમોએ તેને અટકાવ્યો હતો. બાદમાં બ્રીજેશ પાસેથી ડાયમંડ પેકેટ ભરેલું પાર્સલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો અને ઝપાઝપી કરી હતી. બ્રીજેશે સામનો કરવાનો પ્રયાસ કરતા આ ત્રણેય ઇસમોએ છરા કાઢીને તેને ડરાવી દીધો હતો. તેમજ છરીના ઘા મારી દેવાની ધમકી આપી હતી આ ઝપાઝપીમાં અંદાજે રૂપિયા 20 લાખની કિંમતના તૈયાર તેમજ કાચા હીરા ભરેલું પાર્સલ બ્રીજેશના હાથમાંથી પડી જતા ત્રણેય લુંટારૂ આ પાર્સલ લઇને પોતાની કારમાં નાસી છુટ્યા હતા. 

લાલદરવાજા નજીક ડાયમંડની લુંટ થયાની જાણ થતા જ મહિધરપુરા પી.આઇ. સહિત એસીપી અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા. આ અધિકારીઓએ ઘટના સ્થળ પર જ બ્રીજેશની પુછપરછ કરીને તેની પાસેથી પ્રાથમિક વિગતો મેળવી હતી. શહેરના ભરચક કહી શકાય એવા વિસ્તારમાંથી રૂપિયા 10 લાખના હીરાના પાર્સલની લુંટ થતા શહેર પોલીસ રઘવાઇ બનીને દોડતી થઇ ગઇ છે. પોલીસે તુરંત શહેરની ફરતે નાકાબંધી કરી અને લુંટારૂઓનું પગેરૂ દાબવા પ્રયાસ કર્યો હતો. જો કે, તેમ છતા તેમને લુંટારૂઓ અંગે હજુ સુધી કોઇ પ્રાથમિક વિગતો હાથ લાગી નથી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.