Page Views: 17182

બ્રેનડેડ મનોજભાઈ પટેલના પરિવારે કિડની અને લિવરના દાનથી માનવતા મહેંકાવી, ત્રણને નવજીવન બક્ષ્યું-

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની ભાવનગરના હિપાભાઈ ચાવડાને અને બીજી કિડની રાજકોટના હેપ્પી એચ. કનેરિયાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી જયારે લિવર સુરતના સુનીતાબેન પારેખને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

સુરત-

ગત સોમવારે, તા: ૨૬ જુન ૨૦૧૭ ના રોજ પલસાણા ખાતે રહેતા અને કાપડ દલાલીનો ધંદો કરતા  મનોજભાઈ સવારે ૦૯:૦૦ કલાકે સ્નાન કરવા ગયા હતા. લાંબા સમય સુધી તેઓ બાથરૂમમાંથી બહાર નહી આવતા તેમની પત્ની ભારતીબેને તપાસ કરતા તેઓ બાથરૂમમાં બેભાન હાલતમાં પડેલા હતા. પરિવારજનોએ બાથરૂમનો દરવાજો તોડી તેમની સામે રહેતા ડૉ. રમેશ કે પટેલને બોલાવી પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ચલથાણની સંજીવની

 હોસ્પીટલમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે મહાવીર ટ્રોમા હોસ્પીટલમાં સવારે ૧૦:૩૦ કલાકે ડૉ. સંદીપ જી. પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા. નિદાન માટે CT સ્કેન અને MRI કરાવતાં મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું.

તા: ૨૭ જુનના રોજ ન્યુરોસર્જન ડૉ. અશોક પટેલે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. શનિવાર તા:૩૦ જુનના રોજ  ન્યુરોફીજીશ્યન ડૉ. મનોજ સત્યવાણી, ન્યુરોસર્જન ડો. અશોક પટેલ અને ફીજીશ્યન ડૉ. સંદીપ પટેલે મનોજભાઈને  બ્રેનડેડ જાહેર કર્યા હતા.

મનોજભાઈના કાકા સસરા નાનુભાઈ કરસનભાઈ પટેલે ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક સાધી મનોજભાઈના બ્રેનડેડ અંગેની માહિતી આપી હતી.

ડોનેટ લાઈફની ટીમે મનોજભાઈના કાકા સસરા નાનુભાઈ પટેલ સાથે રહી મનોજભાઈના પત્ની ભારતીબેન, પુત્રી અંકિતાબેન, પુત્ર કૃશાંક, સાઢુભાઈ નરેશભાઈ અને પરિવારના અન્ય સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યું હતું.

પરિવારના સૌ સભ્યોએ જણાવ્યું કે અમારા જ પરિવારમાં ચાર વર્ષ પહેલાં ગીતાબેન લીવર ફેલ્યોરની બીમારીથી પીડાતા હતા, જેમને કેડેવર ઓર્ગન ડોનેશન દ્વારા લીવર મળ્યું હતું. આથી ઓર્ગન ફેલ્યોર દર્દીની માનસિક પરિસ્થિતિથી અમે સારી રીતે વાકેફ છીએ. વર્તમાનપત્રોમાં પણ અવાર-નવાર પ્રકાશિત થતાં ઓર્ગન ડોનેશનના સમાચાર વાંચીએ છીએ. આજે જયારે અમારું સ્વજન બ્રેનડેડ છે અને તેમનું મૃત્યુ નિશ્વિત જ છે ત્યારે તેઓના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન મળતું હોય  તો અંગોનું દાન અવશ્ય કરવું જોઈએ. અમે પણ અમારા સ્વજનના અંગોનું દાન કરવા તૈયાર છે, આપ અંગદાન સ્વીકારવા આગળ વધો.  

મનોજભાઈના પરિવારજનોની સંમતિ મળતા નીલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટર પ્રિયાબેન શાહ અને ડો. જમાલ રીઝવીનો સંપર્ક કર્યો હતો અને  કિડની  તથા  લિવરનું દાન લેવા સુરત આવવા માટે જણાવ્યું હતું.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડો. બીપીન પાલ અને તેમની ટીમે આવી કિડની અને લિવરનું દાન સ્વીકાર્યું હતું.  

દાનમાં મેળવવામાં આવેલી એક કિડની ભાવનગરના રહેવાસી હિપાભાઈ રામભાઈ ચાવડા ઉ.વ. ૨૮માં અને બીજી કિડની રાજકોટના રહેવાસી હેપ્પી એચ. કનેરિયા ઉ. વ. ૨૦માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી છે. જયારે લિવર સુરતના રહેવાસી સુનીતાબેન મહેશભાઈ પારેખ  ઉ. વ. ૫૧માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

 

આ કિડની અને લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ખાતે ડૉ. જમાલ રીઝવી, ડૉ. વૈભવ સુતાડીયા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.

અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં મનોજભાઈના પત્ની ભારતીબેન, પુત્રી અંકિતા, પુત્ર કૃશાંક, કાકા સસરા નાનુભાઈ, સાઢુભાઈ હરીશભાઈ તથા પરિવારના અન્ય સભ્યો, ન્યુરોસર્જન ડો. અશોક પટેલ, ન્યુરોફીજીશ્યન ડૉ. મનોજ સત્યવાણી, ફીજીશ્યન ડૉ. સંદીપ પટેલ, મહાવીર ટ્રોમા હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલા, ટ્રસ્ટી હેમંત દેસાઈ, CEO નીરવ માંડલેવાલા, નિમિત પટેલ, સુભાષ જોધાણી, ધવલ પ્રજાપતિ અને યોગેશ પ્રજાપતિનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી ડોનેટ લાઈફના નીલેશ માંડલેવાલા અને તેમની ટીમે ૨૦૯  કિડની, ૮૨ લીવર, પેન્ક્રીઆસ, ૧૧ હૃદય અને ૧૭૮ ચક્ષુઓનો દાન મેળવીને ૪૮૩ વ્યક્તિઓને નવજીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મેળવી છે.

ડોનેટ લાઈફ દ્વારા કેડેવર ઓર્ગન ડોનેશન અંગેની જનજાગૃતિના કાર્યક્રમો સતત થઇ રહ્યા છે. જેને કારણે સમાજમાં બ્રેનડેડ બાદ ઓર્ગન ડોનેશન કરવાની જનજાગૃતિ આવી રહી છે. પરિણામે છેલ્લા એક મહિનામાં જ ડોનેટ લાઈફ દ્વારા ૮ બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનોને સમજાવી ૧૬ કીડની, લીવર, હૃદય અને ૪ ચક્ષુઓનું દાન કરાવવામાં આવ્યું છે.  અમે સમાજના દરેક વર્ગના લોકોને નમ્ર અપીલ કરી રહ્યા છે કે  જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ હોવાની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેના અંગોનું દાન કરાવી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાઈએ આ માનવ સમાજની એક ખુબ મોટી સેવા છે.