Page Views: 43907

ગ્રેટ શો મેન રાજ કપૂર ... કલ ખેલમેં હમ હો ન હો ગરદિશમેં તારે રહેંગે સદા

રાજ સાહેબના આવારાના અભિનયને ટાઇમ મેગેઝીને વિશ્વના ટોપ-10માં સ્થાન આપ્યુ છે

નરેશ કાપડિયા દ્વારા

 

હિન્ફી ફિલ્મો પર જે પરિવારનું સતત વર્ચસ્વ રહ્યું છે તે કપૂર ખાનદાનના મુખિયા રાજ કપૂરની ૨૯મી પુણ્યતિથિ. ૨ જૂન, ૧૯૮૮ના રોજ તેમનું નિધન થયું હતું. ૯૩ વર્ષ પહેલાં ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ના પેશાવરમાં રણબીર રાજ કપૂર રૂપે જન્મેલા આ એક વિચક્ષણ કલાકાર હતા. ભારતીય સિનેમામાં રાજને સૌથી મહાન અને અસરકારક ફિલ્મકારોમાંના એક રૂપે નવાજવામાં આવે છે. તેમનું ખુબ સન્માન થયું છે, તેમને ત્રણ નેશનલ અને ૧૧ ફિલ્મફેર એવોર્ડ્સ મળ્યાં છે. ફિલ્મફેર દ્વારા અપાતો લાઈફટાઈમ એચીવમેન્ટ એવોર્ડ રાજ કપૂરના નામે અપાય છે. કેન્સ ફિલ્મ ફેસ્ટીવલના પામ ડી-ઓર ગ્રાંડ પ્રાઈઝ માટે રાજને ‘આવારા’ અને ‘બૂટ પોલિશ’ બે ફિલ્મો માટે નામાંકન મળ્યું હતું. ટાઈમ મેગેઝીન દ્વારા રાજ કપૂરના ‘આવારા’ના અભિનયને સર્વકાલીન ટોપ ટેન અભિનયમાં ક્રમાંકિત કરાયો છે. રાજનું પ્રેક્ષકગણ આખી દુનિયામાં, ખાસ કરીને એશિયા અને યુરોપમાં હતું. ભારતીય ફિલ્મોના ‘ક્લાર્ક ગેબલ’ રૂપે હોલીવૂડ તેમને ઓળખે છે. ભારત સરકારે રાજને ૧૯૭૧માં પદ્મ ભૂષણ અને ૧૯૮૭માં દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી નવાજ્યા હતા.

મઝાની વાત એ છે કે ભારતીય ફિલ્મોમાં જેમણે મોખરાનું સ્થાન ધરાવ્યું એવા રાજ કપૂર અને દિલીપ કુમાર બંને પેશાવરના કિસ્સા ખાવની બઝાર વિસ્તારમાંથી આવ્યા હતાં,વળી બંનેની જન્મતારીખ પણ (અનુક્રમે ૧૪ ડીસેમ્બર, ૧૯૨૪ અને ૧૧ ડીસેમ્બર, ૧૯૨૨) નજીકની રહી. આજે તે પખ્તૂનખ્વા પાકિસ્તાન ગણાય છે. રાજપંજાબી હિંદુ પરિવારમાં પૃથ્વીરાજ કપૂર અને રામસરણી દેવીને ત્યાં છ સંતાનોમાં સૌથી મોટા હતા. તેમના ભાઈઓ શમ્મી કપૂર અને શશી કપૂર પણ જાણીતા અભિનેતા હતાં. ત્રીસીના દાયકામાં રાજ દેહરાદૂનની સ્કૂલમાં ભણ્યા હતા. 

‘ઇન્કિલાબ’ ફિલ્મમાં ૧૨ વર્ષની ઉમરે તેમણે પહેલીવાર કેમેરા સામે અભિનય કર્યો હતો. ત્યાર બાદ ‘નીલકમલ’ (૧૯૪૭)માં તેઓ મધુબાલા સામે નાયક બન્યા. ૨૪ વર્ષની ઉમરે ૧૯૪૮માં તેમણે આર.કે.ફિલ્મ્સ સંસ્થા શરૂ કરી અને તેમના સમયના સૌથી યુવાન દિગ્દર્શક બન્યા. તેમણે નરગિસ, કામિની કૌશલ અને પ્રેમનાથ સાથે ‘આગ’ બનાવી. દિલીપ કુમાર અને નરગિસ સાથે મેહબૂબ ખાનની ‘અંદાઝ’ એ રાજની અભિનેતા તરીકેની પહેલી સફળતા હતી. નિર્માતા-નિર્દેશક-અભિનેતા રૂપે તેમની પહેલી સફળતા એટલે ‘બરસાત’. જેમાં તેમણે મહાન સંગીતકાર શંકર અને જયકિશન અને મહાન ગીતકાર શૈલેન્દ્ર અને હસરત જયપુરીને પહેલી તક આપી હતી. 

 

રાજ કપૂરે પછી સફળ ફિલ્મોની હારમાળા સર્જી. ‘આવારા’, ‘આહ’, ‘શ્રી ૪૨૦’, ‘જાગતે રહો’ બનાવી. આવી. તેમના લાંબા સમયના સાથી રધુ કરમાકરે ‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’નું નિર્દેશન કર્યું અને ‘શ્રેષ્ઠ ફિલ્મ’નો ફિલ્મફેર એવોર્ડ જીત્યો. આ સમયની ફિલ્મો દ્વારા રાજે ચાર્લી ચેપ્લીનની ‘ધ ટ્રેમ્પ’ ઈમેજ ઊભી કરી. પોતાના નિર્માણ ગૃહની બહાર રાજની અભિનેતા રૂપે નોંધપાત્ર ફિલ્મો  ‘ચોરી ચોરી’, ‘અનાડી’, ‘છલિયા’, ‘દિલ હી તો હૈ’ આવી. સમાજના પ્રશ્નોની રજૂઆત તેમણે ‘બૂટ પોલિશ’ અને ‘અબ દિલ્લી દૂર નહીં’માં કરી.

 

૧૯૬૪માં રાજે રાજેન્દ્ર કુમાર અને વૈજયંતીમાલા સાથે ‘સંગમ’ બનાવી, જે તેમની પહેલી રંગીન ફિલ્મ હતી. નાયક તરીકેની આ તેમની છેલ્લી મોટી સફળતા હતી. ત્યાર બાદ રાજશ્રી, સાયરા બાનુ અને હેમા માલીની જેવી યુવાન અભિનેત્રીઓ સાથેની તેમની ‘અરાઉન્ડ ધ વર્લ્ડ’, ‘દીવાના’ અને ‘સપનોં કા સૌદાગર’ નિષ્ફળ ગઈ. અંતે છ વર્ષની જહેમતે તેમણે સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘મેરા નામ જોકર’ બનાવી જે પણ નિષ્ફળ ગઈ. તેનાથી રાજ અને પરિવાર દેવામાં ડૂબી ગયા. પછી એમણે મોટા દીકરા રણધીર કપૂરને ‘કલ આજ ઔર કલ’માં અને નાના દીકરા હૃષી કપૂરને ‘બોબી’માં રજૂ કર્યા. હૃષી-ડીમ્પલની ‘બોબી’ જબ્બર સફળ થઇ. નવી પેઢીનો એ પહેલો રોમન્સ હતો. પછી રણધીર નિર્દેશિત ‘ધરમ કરમ’માં રાજે ચરિત્ર ભૂમિકા કરી.

સિત્તેર અને એંશીના દાયકામાં રાજ નિર્દેશિત ‘સત્યમ શિવમ સુન્દરમ’, ‘પ્રેમ રોગ’, અને ‘રામ તેરી ગંગા મૈલી’ આવી. રાજ તેમના નિધન પહેલાં હૃષી સાથે પાકિસ્તાની અભિનેત્રી ઝેબાની ‘હીના’નું નિર્દેશન કરતા હતા. તેઓ અસ્થમાથી પીડાતા હતા. માત્ર ૬૩ વર્ષની ઉમરે ફાળકે એવોર્ડ લેતાં રાજ ફસડાઈ પડ્યા અને દિલ્હીની એઈમ્સમાં એક મહિના બાદ ૨ જૂન, ૧૯૮૮ના રોજ શો મેનના જીવન પર પડદો પડ્યો હતો.

 

રાજ કપૂરના ગીતો: જીંદા હું ઇસ તરહા – આગ, છોડ ગયે બાલમ – બરસાત, તારા રી તારા રી – દાસ્તાન, ખયાલો મેં કિસી કે – બાવરે નૈન, આવારા હૂં – આવારા, આજા રે અબ મેરા દિલ – આહ, દિલ કા હાલ સુને – શ્રી ૪૨૦, આજા સનમ મધુર ચાંદની – ચોરી ચોરી, વો સુબહા કભી તો આયેગી – ફિર સુબહા હોગી, મસ્તી ભરા હૈ સમાં – પરવરિશ, કિસી કી મુસ્કુરાહટો – અનાડી, જિસ દેશ મેં ગંગા બહતી હૈ – શીર્ષક, ઓ શમા – આશિક, તુમ અગર મુજકો ન ચાહો – દિલ હી તો હૈ, લાગા ચુનડી મેં દાગ છુપાઉ કૈસે – દિલ હી તો હૈ, સજન રે જૂઠ મત બોલો – તીસરી કસમ, દોસ્ત દોસ્ત ના રહા – સંગમ, જાને કહાં ગયે વો દિન – મેરા નામ જોકર.