Page Views: 36827

બાબરી કેસની સુનાવણીમાં અડવાણી સહિત ૧૧ લોકો કોર્ટમાં હાજર: તમામને ૨૦,૦૦૦ રૂ. ના બોન્ડ પર જામીન અપાયા

આ કેસનાં મુખ્ય આરોપી રહેલા અશોક સિંઘલ અને ગિરિરાજ કિશોરનું અવસાન થઈ ચૂક્યું છે

લખનઉઃ 

        અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું તોડી પાડવાના કેસમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોષી, ઋતંભરા અને ઉમા ભારતી સીબીઆઈની વિશેષ અદાલતમાં  હાજર થયા હતા. જ્યાં તેમને 50,000 રૂપિયાના બોન્ડ ભરીને જામીન આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કોર્ટ અડવાણી સહિત 12 લોકો પર આરોપો નક્કી કરવાની હતી. આરોપો નક્કી કરવાના સમયે કોર્ટમાં આરોપીઓની હાજરી જરૂરી હોય છે. આથી તેમને હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યા હતા. 25 મેના રોજ સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીઓને 30 મે સુધીમાં હાજર થવા આદેશ આપ્યો હતો.

અડવાણી અને જોશી  દિલ્હીથી લખનઉ એરપોર્ટ પર સવારે સાડા નવ વાગે પહોંચ્યા હતા. લખનઉ એરપોર્ટ પર ઉતરીને અડવાણી અને જોશી વીવીઆઈપી ગેસ્ટ હાઉસ જવા રવાના થયા હતા. જ્યાં તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીએ કહ્યું કે, ‘ભગવાનના મુદ્દે અમે ભગવાન પાસેથી જ આશા રાખીએ છીએ. હું  મારી જાતને આરોપી નથી માનતી.  જેવું ઈમરજન્સી સામે થયું હતું તેવું આ એક સ્વયંભૂ આંદોલન હતું.  આંદોલનમાં શું કાવતરું હતું તેની મને હજુ સુધી ખબર નથી.’  સાધ્વી ઋતંભરાએ કહ્યું, ‘મને આશા છે કે કોર્ટે શક્ય તેટલો વહેલો આ મુદ્દે ફેંસલો આપશે. આરોપ સીબીઆઈએ લગાવ્યા છે. કોર્ટમાં ફેક્ટ્સ તેમણે રજૂ કરવાના છે. અમને કોર્ટ પર ભરોસો છે.’ 

ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ તોડી પાડવામાં આવ્યા બાદ બે એફઆઈઆર નોંધાવવામાં આવી હતી. ત્યારે સીબીઆઈએ તપાસ બાદ 49 લોકો સામે ચાર્જશીટ તૈયાર કરી હતી, પરંતુ 13 લોકો કેસ શરૂ થાય તે પહેલાં જ છૂટી ગયા. આ કેસમાં આરોપી રહેલા અશોક સિંઘલ અને ગિરિરાજ કિશોરનું  પહેલા જ અવસાન થઈ ચૂક્યું છે. સુપ્રીમ કોર્ટે 19 એપ્રિલે રાયબરેલીની અદાલતમાંથી કેસ લખનઉની અદાલતમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપીને એક મહિનામાં સુનાવણી શરૂ કરવા તથા બે વર્ષમાં ફેંસલો સંભળાવવાનો આદેશ આપ્યો હતો.