Page Views: 9197

સુરતથી ૧૦મું હૃદય યુક્રેનની યુવતી નતાલીયાને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.

રવિ ઠાકરશીભાઈ દેવાણી બ્રેનડેડ થતાં દેવાણી પરિવારે પુત્રના હૃદય, કીડની, લિવર, પેન્ક્રીયાસ અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન આપ્યું

સુરત-10

                                                                   

ગત તા.  ૦૬ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ બપોરે ૧:૩૦ થી ૨:૦૦ કલાકના સમયગાળા દરમ્યાન રવિ અમદાવાદમાં CG રોડ ઉપર આવેલ HDFC ERGO જનરલ ઇન્સ્યુરન્સ કંપનીની ઓફીસથી જીવરાજ પાર્ક વિસ્તારમાં આવેલ એક મકાનમાં પેંઈગ ગેસ્ટ તરીકે રહેતો હતો ત્યાં જમવા માટે જતો હતો ત્યારે ધરણીધર, આમ્રપાલી એપાર્ટમેન્ટની બાજુમાં, શારદા મંદિરની પાસે, તેની બાઈક ગૌમાતા સાથે અકસ્માતે અથડાતા      રવિ બાઈક ઉપરથી નીચે પડી ગયો હતો. તેને માથામાં અને જમણા પગમાં ગંભીર ઈજાઓ થતાં બેભાન થઇ ગયો હતો. તેથી તેને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સમાં અમદાવાદમાં આવેલ V.S હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે HOPE ન્યુરોકેર હોસ્પિટલમાં ન્યુરોસર્જન ડૉ. મંથન પટેલ અને ડૉ. નવીન પટેલની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો. નિદાન માટે CT સ્કેન કરાવતા મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ન્યુરોસર્જન ડૉ. મંથન પટેલે ક્રેન્યોટોમી કરી મગજમાં જામેલો લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો.

રવિવાર ૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ રવિને અમદાવાદની HOPE ન્યુરોકેર હોસ્પિટલ માંથી સુરતમાં પરવત પાટિયા પાસે આવેલ યુનીટી હોસ્પિટલમાં સાંજે 0૪:૦૦ કલાકે ડૉ. મહેશ સુતરીયાની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો હતો. રવિવાર તા: ૦૯ એપ્રિલ, ૨૦૧૭ના રોજ ન્યુરોફીઝીશ્યન ડૉ. ભદ્રેશ માંગુકિયા, ન્યુરોસર્જન ડૉ. વિહાંગ સાલી અને ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. મહેશ સુતરીયાએ રવિને બ્રેનડેડ જાહેર કર્યો.

ડૉ. સમીર ગામી અને ડૉ. મહેશ સુતરીયાએ ડોનેટ લાઈફના પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનીક સંપર્ક કરી રવિના બ્રેનડેડ અંગેની જાણકારી આપી.

ડોનેટ લાઈફની ટીમે હોસ્પીટલ પહોંચી રવિના પિતાશ્રી ઠાકરશીભાઈ, ભાઈ સતીષ, પીતરાય ભાઈ જયસુખભાઈ, પ્રફુલભાઈ, પીન્ટુભાઈ , બનેવી જીગ્નેશભાઈ અને પરિવારના અન્યો સભ્યોને ઓર્ગન ડોનેશનની જાણકારી આપી ઓર્ગન ડોનેશનનું મહત્વ સમજાવ્યુ હતું.

રવિના પિતાશ્રી ઠાકરશીભાઈ, ભાઈ સતીષ, પીતરાય ભાઈ જયસુખભાઈ, અને પરિવારના અન્ય સૌ સભ્યોએ જણાવ્યું કે અમારો દીકરો  તો બ્રેનડેડ થઇ ચુક્યો  છે અને તેમનું મૃત્યુ  નિશ્ચિત જ છે  અને તેમના અંગો બળીને  રાખ થઇ જાય તેના કરતા તેના અંગોનું દાન કરીને ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો અંગદાન માટે આપ આગળ વધો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે અમો વારંવાર વર્તમાન પત્રોમાં ઓર્ગન ડોનેશનના સમાચારો વાંચતા હતા, તેથી આજે જયારે અમારા પરિવારમાં બ્રેનડેડનો કિસ્સો બન્યો છે, તો અંગદાન કરવું જોઈએ. વધુમાં તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ થાય ત્યારે તેના અંગોનું દાન કરાવવું જોઈએ.

પરિવારજનો તરફથી અંગદાનની સંમતિ મળતા નિલેશ માંડલેવાલાએ અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ટ્રાન્સપ્લાન્ટ કૉ.ઓર્ડીનેટર પ્રિયાબેન શાહ અને ડૉ. પ્રાંજલ મોદીનો સંપર્ક કરી કીડની, લિવર અને પ્રેન્કીઆસનું દાન લેવા આવવા માટે જણાવ્યું.

જયારે હ્રદયના દાન માટે અમદાવાદમાં આવેલ CIMS અને ર્સ્ટલીંગ હોસ્પીટલનો સંપર્ક કર્યો પરંતુ ત્યાં હૃદય ટ્રાન્સપ્લાન્ટ માટેના દર્દી ન હોવાના કારણે મુંબઈની ZTCC નો સંપર્ક કરવામાં આવ્યો. મુંબઈમાં પણ A+ve બ્લડ ગ્રુપનો ભારતીય અને ટ્રાન્સપ્લાન્ટની ઈચ્છા ધરાવતો દર્દી ન હોવાને કારણે દિલ્હીમાં આવેલ નેશનલ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઈઝેશનના (NOTTO) ડાયરેક્ટર ડો. વિમલ ભંડારી અને ડૉ. સુરેશ બધાનનો સંપર્ક કરવામાં આવ્યો. NOTTOએ દિલ્હી, ગુડગાંવ, તમિલનાડુ વિગેરે ROTTOનો સંપર્ક કર્યો, પરંતુ ત્યાં પણ A+ve બ્લડ ગ્રુપનો ભારતીય અને ટ્રાન્સપ્લાન્ટની ઈચ્છા ધરાવતો દર્દી ન હતા.

મુંબઈની ZTCCએ NOTTOનો સંપર્ક કરી જણાવ્યું કે NOTTOના વેઈટીંગ લીસ્ટમાં કે ભારતના જુદા જુદા ROTTOમાં કોઈ ભારતીય  દર્દી ન હોય તો ZTCCના વેઈટીંગ લીસ્ટમાં એક વિદેશી નાગરિક છે તેને હૃદય આપવામાં આવે. NOTTOએ ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુ દરેક જગ્યાએ સંપર્ક કર્યો પરંતુ A+ve બ્લડ ગ્રુપનો ભારતીય અને ટ્રાન્સપ્લાન્ટની ઈચ્છા ધરાવતો દર્દી ન હોવાને કારણે NOTTOએ મુંબઈની ZTCCના વેઈટીંગ લીસ્ટમાં રહેલા વિદેશી નાગરિકને હૃદય આપવા મંજુરી આપી હતી.

અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC)ના ડૉ જમાલ રીઝવી અને તેમની ટીમે આવી કીડની, લિવર અને પ્રેન્કીઆસનું દાન સ્વીકાર્યું. જયારે હ્રદયનું દાન મુંબઈની ફોર્ટિસ હોસ્પીટલના ડૉ. અનવય મુલે અને તેમની ટીમે આવી સ્વીકાર્યું, જયારે ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેન્કના  ડૉ. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું. દાનમાં મેળવવામાં આવેલું હદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેનની રહેવાસી નતાલીયા ઓમેલચુક ઉ. વ. ૨૭માં       ચીફ કાર્ડિયાક સર્જન ડો. અન્વય મુલે અને તેમની ટીમ દ્વારા મુંબઈ મુલુન્ડ માં આવેલ ફોર્ટીસ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું છે.

દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડની અને પેન્ક્રીઆસ ટ્રાન્સપ્લાન્ટ હાલમાં Institute of Kidney Diseases and Research Centre (IKDRC) ચાલી રહ્યું છે. જયારે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ સુરતના રહેવાસી ઉમંગ બીમલભાઈ પટેલ ઉ. વ. ૩૧માં ડૉ. પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. અંગદાન મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં રવિના પિતાશ્રી ઠાકરશીભાઈ, ભાઈ સતીષ, પીતરાય ભાઈ જયસુખભાઈ, પ્રફુલભાઈ, પીન્ટુભાઈ, બનેવી જીગ્નેશભાઈ તેમજ દેવાણી પરિવારના અન્યો સભ્યો, ન્યુરોફીઝીશ્યન ડૉ. ભદ્રેશ માંગુકિયા, ન્યુરોસર્જન ડૉ. વિહાંગ સાલી, ઈન્ટેન્ટસીવીસ્ટ ડૉ. મહેશ સુતરીયા,        ડૉ. અમિત પટેલ, ડૉ. સમીર ગામી, યુનીટી હોસ્પીટલના સંચાલકો અને સ્ટાફ, ડોનેટ લાઈફના પ્રમુખ શ્રી નીલેશ માંડલેવાલા, મંત્રી શ્રી રાકેશ જૈન, ટ્રસ્ટી હેમંત દેસાઈ, CEO નીરવ માંડલેવાલા, પ્રોગ્રામ ઓફિસર સુભાષ જોધાણી, ધવલ પ્રજાપતિ, યોગેશ પ્રજાપતિ અને જીતેન્દ્ર મોરેનો સહકાર સાંપડ્યો હતો.

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી શ્રી નીલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફ દ્વારા ૧૯૪ કિડની, ૭૩ લીવર, ૫ પેન્ક્રીઆસ, ૧૦ હૃદય અને ૧૭૨ ચક્ષુઓનો દાન મેળવીને ૪૫૨ વ્યક્તિઓને નવું જીવન અને નવી રોશની બક્ષવામાં સફળતા મળી છે. યુનીટી હોસ્પીટલ થી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર કરવા માટે સુરત શહેર પોલીસ કમિશ્નરશ્રીનો સહકાર સાંપડ્યો હતો. તથા સુરત એરપોર્ટ ઓથોરીટીના ડાયરેક્ટર પ્રમોદ કુમાર ઠાકરેનો પણ સહકાર સાંપડ્યો હતો. યુનીટી હોસ્પિટલથી મુંબઈ મુલુંડ ફોર્ટિસ હોસ્પિટલનું  ૨૬૯ કિ. મી નું અંતર ૮૭ મીનીટમાં કાપીને હ્રદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન ની રહેવાસી નતાલીયા ઓમેલચુક ઉ. વ. ૨૭માં ચીફ કાર્ડિયાક સર્જન ડો. અનવય મુલે અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે.