Page Views: 19278

ડોનેટ લાઈફ અને IMA દ્વારા વિશ્વ કીડની દિવસ નિમિતે જન જાગૃતિ રેલી

કીડની સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી

સુરત-

શહેરમાં કીડની અને તેના રોગો તથા કેડેવર ઓર્ગન ડોનેશન માટે કાર્ય કરતી સંસ્થા “ડોનેટ લાઈફ અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન” દ્વારા વિશ્વ કીડની દિવસના નિમિત્તે એક જનજાગૃતિ રેલીનું આયોજન ચોપાટી ટ્રાફિક ઓફીસથી અને ચોકબજાર ગાંધીજીના પુતળા સુધી કરવામાં આવ્યું હતું. આ રેલીનો આરંભ જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ડૉ.કે.એલ.એન.રાવે કરાવ્યો હતો.

 

જોઈન્ટ પોલીસ કમિશ્નરશ્રી ડૉ. કે. એલ. એન રાવે શુભેચ્છા આપતા જણાવ્યું હતું કે આજે વર્લ્ડ કિડની ડે ની ઉજવણી ભાગ રૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, તેને કારણે સમાજમાં લોકોને કિડનીના રોગો અંગેની માહિતી મળશે. આ માહિતી લોકોને પોતાની કીડની સ્વસ્થ રાખવામાં મદદરૂપ બનશે.

આ દિવસ ઉજવવાનું મુખ્ય કારણ લોકોમાં કિડનીના રોગો વિશે જનજાગૃતિ આવે તે માટેનું છે. કિડની એ સાયલન્ટ કિલર છે. ભારતમાં લગભગ ૨૦ લાખ કિડની નિષ્ફળતાના દર્દીઓ છે અને દર વર્ષે તેમાં ૨ થી ૨.૫ લાખ નવા દર્દીઓનો  વધારો થતો જાય છે. સુરતમાં હાલમાં ૨૪ ડાયાલીસીસ સેન્ટરોમાં ૧૧૧૧ દર્દીઓ ડાયાલીસીસ કરાવી રહયા છે.

ડોનેટ લાઈફના પ્રમુખ નીલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે કીડની એ સાયલન્ટ કીલર છે. ભગવાને દરેક વ્યક્તિને બે કીડની આપી છે, એમાંથી એક કીડની નિષ્ફળ જાય તો પણ એક સ્વસ્થ કીડની પર વ્યક્તિ પોતાનું જીવન સારી જીવી શકે છે, પરંતુ બંને કીડની નિષ્ફળ થાય ત્યાર પછી ડાયાલીસીસ કે પછી ટ્રાન્સપ્લાન્ટ જ એનો એક ઈલાજ છે. કિડનીની નિષ્ફળતા એ એક અસાધ્ય રોગ છે, એને માટે રોકથામ જ એક ઉપાય છે. તેઓએ જણાવ્યું હતું કે કિડની સ્વસ્થ રાખવા માટે, દિવસમાં ૧૦-૧૨ ગ્લાસ પાણી પીવું જોઈએ, ડાયાબીટીસની યોગ્ય સારવાર કરાવવી જોઈએ, લોહીના ઉંચા દબાણનું યોગ્ય નિયમન કરવું જોઈએ, કિડનીમાં પથરી હોય તો તેની સારવાર કરાવવી જોઈએ, ડોકટરને પૂછ્યા વગર પેઈનકિલર દવાઓ લેવી જોઈએ નહિ, પુરુષોમાં પ્રોસ્ટેટ ગ્રંથિનો સોજો હોય તેમજ મહિલાઓમાં યુરીનરી ટ્રેકટ ઇન્ફેકશન થયું હોય તો તેની તાત્કાલિક સારવાર કરાવવી જોઈએ. વધુમાં નિલેશ માંડલેવાલાએ જણાવ્યું હતું કે જયારે પણ કોઈ વ્યક્તિ બ્રેનડેડ હોય તેની જાણકારી તમને પ્રાપ્ત થાય ત્યારે તેઓના અંગોનું દાન કરાવીને ઓર્ગન નિષ્ફળતા ના દર્દીઓને નવજીવન આપવાના યજ્ઞમાં જોડાવું જોઈએ. તેમને જણાવ્યું હતું કે અંગદાન જીવનદાન.

 

આ રેલીમાં હાઈપર ટેન્શન – કિડનીને ટેન્શન, કિડની બગડે – જીંદગી બગડે, ભારે ડાયાબીટીસ – કિડની ને નુકશાન, દવાનો હેવી ડોઝ – કિડની ઉપર બોજ, કિડની માં પથરી – કિડનીને નુકશાન, ઓછુ પાણી જે પીએ – એની કિડની માંદી થાય, કિડની રોગ સામે જંગ – આપના સહયોગ ને સંગ, કિડની બચાવો – જીવન બચાવો જેવા જુદાં જુદાં સુત્રો દ્વારા શહેરીજનોને કિડની સ્વસ્થ રાખવા માટેની માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ રેલીમાં ચેમ્બર ઓફ કોમર્સના ઉપપ્રમુખ શ્રી પી. એમ. શાહ, યઝદી કરંજીયા, IME (Indian Medical Association) ના પ્રમુખ શ્રી મનસુખ ઘટ્ટીવાલા, સેક્રેટરી ડૉ. પારૂલ વડગામા, IME ના ભૂતપૂર્વ પ્રમુખ ડૉ. પ્રદીપ આટોદરિયા, નેફ્રોલોજીસ્ટ ડૉ. ધનેશ વૈદ્ય, ડૉ. અનીલ પટેલ, ડૉ. સિદ્ધાર્થ જૈન, ડૉ. નીતિન ગર્ગ, ડૉ. મુકેશ આરીવાલા, મેટાસ હોસ્પિટલના સંચાલકો અને સ્ટાફ, શ્રી કમલેશ મસાલાવાલા, SCET એન્જીનીયરીંગ કોલેજના વિધાર્થીઓ સહીત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા અને હાઈપર ટેન્શન – કિડનીને ટેન્શન, કિડની બગડે – જીંદગી બગડે, ભારે ડાયાબીટીસ – કિડની ને નુકશાન, દવાનો હેવી ડોઝ – કિડની ઉપર બોજ, કિડની બચાવો – જીંદગી બચાવો, કિડની માં પથરી – કિડનીને નુકશાન જેવા સૂત્રોચ્ચાર દ્વારા ઉપસ્થિત શહેરીજનોને કિડની સ્વસ્થ રાખવા માટે માહિતી પૂરી પાડવામાં આવી હતી.